Patanjali case: ‘કાર્યવાહી માટે તૈયાર રહો…’ SCએ પતંજલિ અને સરકારને ફટકાર લગાવી
નવી દિલ્હી: પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત (Patanjali misleading ads case) આપવા બદલ યોગ ગુરુ રામદેવ (Baba Ramdev) અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર (MD) આચાર્ય બાલકૃષ્ણ (Acharya Baalkrishna)મોટી મુસીબતમાં ફસાયા છે. આજે રામદેવ અને બાલકૃષ્ણ કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે તેમના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટના આદેશોને હળવાશથી ન લઈ શકાય, કાર્યવાહી માટે તૈયાર રહો. સુનાવણી દરમિયાન બાબા રામદેવે કોર્ટની હાથ જોડીને માફી માંગી હતી.
કોર્ટે કહ્યું કે તમે જે રીતે દિલગીરી વ્યક્ત કરી છે તે અમે સ્વીકારી શકતા નથી. 21 નવેમ્બરના કોર્ટના આદેશ છતાં બીજા દિવસે તમે પત્રકાર પરિષદ યોજી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને પતંજલિની જાહેરાતો છપાઈ રહી હતી. તેના પર રામદેવના વકીલે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ થયેલી ભૂલ માટે માફી માંગીએ છીએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું, કોવિડનો સમય સૌથી મુશ્કેલ સમય હતો, આ સમયે જાહેરાતોમાં સારવાર માટેના ખોટા દાવા કરવામાં આવ્યા હતા. બાબા રામદેવ અને બાલકૃષ્ણ ખોટા દાવાઓ અંગે કાર્યવાહી માટે તૈયાર રહે.” સુપ્રીમ કોર્ટે એફિડેવિટમાં થયેલી ભૂલ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે આ ખોટી જુબાનીનો પણ કેસ છે. તમે એફિડેવિટમાં સાચી હકીકતો નથી મૂકી. કન્ટેમ્પ્ટ ઉપરાંત ખોટી એફિડેવિટ આપવાનો કેસ પણ કોર્ટમાં દાખલ કરવામાં આવશે.
કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું, સરકારે તેના વિશે શું કર્યું? માત્ર ચેતવણી પૂરતી નથી. કેન્દ્રએ કાયદા મુજબ પગલાં નથી લીધાં. અમને નવાઈ લાગે છે કે કેન્દ્રએ આંખ આડા કાન કર્યા. તમારે એ પણ જણાવવું પડશે કે સરકાર સામે પગલાં કેમ ન લેવા જોઈએ? સોલિસિટર જનરલ(SG) તુષાર મહેતાએ જવાબ આપવા માટે કોર્ટ પાસે થોડો સમય માંગ્યો હતો, જેના પર કોર્ટે કહ્યું કે અમે સમય આપીશું. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જે થયું તે નહોતું થવું જોઈતું.
જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, તમારે કોર્ટમાં આપેલા બાંયધરીનું પાલન કરવું પડશે. તમે દરેક સીમા તોડી નાખી છે. હવે એવું કહી રહ્યા છો કે તમે દિલગીર છો.
પતંજલિના વકીલે કહ્યું, “આ અમારા માટે એક બોધપાઠ હશે.” જસ્ટિસ કોહલીએ કહ્યું, “અમે અહીં કોઈ પાઠ ભણાવવા નથી આવ્યા. તેઓ કહે છે કે તેઓએ સંશોધન કર્યું છે, તેમણે ખુલાસો કરવો જોઈએ અને માત્ર જનતાને જ નહીં, કોર્ટને પણ અહેવાલ આપવો જોઈએ.”
રામદેવ અને બાલકૃષ્ણના વકીલે કહ્યું કે બંને સામે આવીને અંગત રીતે માફી માંગવા તૈયાર છે. આ પછી રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં આગળ આવ્યા. રામદેવે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ હાથ જોડીને માફી માંગીએ છીએ. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને કહ્યું, “તમે ગમે તેટલા ઊંચા હો, કાયદો તમારાથી ઉપર છે. કાયદાનો મહિમા સર્વોપરી છે.”
નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “21 નવેમ્બરે કોર્ટનો આદેશ આવ્યા બાદ બીજા દિવસે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમાં બાલકૃષ્ણ અને રામદેવ હાજર હતા. તમારી માફી પૂરતી નથી કારણ કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને પતંજલિની જાહેરાતો છાપવામાં આવી હતી. તમારું મીડિયા વિભાગ તમારાથી અલગ નથી. તમે આવું કેમ કર્યું…? કાર્યવાહી માટે તૈયાર રહો. આ દેશની સૌથી મોટી અદાલત છે. તમે કાયદાનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકો…? કોર્ટમાં બાંયધરી આપ્યા પછી પણ તમે તેનું ઉલ્લંઘન કર્યું. પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.”
જસ્ટિસ કોહલીએ કહ્યું, “શું તમે કાયદામાં ફેરફાર અંગે મંત્રાલયનો સંપર્ક કર્યો હતો?… આ કોર્ટને એક બાંયધરી આપવામાં આવી હતી જે કંપનીના દરેક વ્યક્તિને લાગુ પડે છે… ટોચથી કતારમાં રહેલા છેલ્લા વ્યક્તિ સુધી. તમારું મીડિયા વિભાગ અને જાહેરાત વિભાગ તેનું પાલન કેવી ન કરે? અમે તમારી માફીથી સંતુષ્ટ નથી.”
સુપ્રીમ કોર્ટે કહ્યું, “તમે માફી માગો છો અને તમારા કૃત્યને પણ યોગ્ય ઠેરવો છો..! તમે 1954ના અધિનિયમને પુરાણો કહો છો. તમે કહો છો કે હવે તમારી પાસે આયુર્વેદમાં થયેલા ક્લિનિકલ સંશોધન સાથે પુરાવા આધારિત વૈજ્ઞાનિક ડેટા છે. શું તમે અધિનિયમમાં સુધારાની માંગણી કરી છે. શું તમે સરકારનો સંપર્ક કર્યો છે?”
રામદેવના વકીલે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ થયેલી ભૂલ માટે માફી માગીએ છે અમે આજે નવી એફિડેવિટ ફાઇલ કરીશું. રામદેવ કોર્ટમાં છે અને તેઓ પોતે માફી માંગવા માંગે છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, “અમે કન્ટેમ્પ્ટના પગલાં લઈશું. માફી સ્વીકાર્ય નથી, તમે શું કર્યું છે તેની તમને જાણ નથી. જો તમારે માફી માંગવી જ હોત તો તમે શરૂઆતમાં કહ્યું હોત કે અમને માફ કરો.. “
સુપ્રીમ કોર્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ની અરજી પર સુનાવણી કરી હતી, અરજીમાં રામદેવ પર એન્ટી-કોવિડ વેક્સીન અને આધુનિક મેડિસીન વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.