નેશનલ

પાટણ બાળ તસ્કરી કાંડ: કચ્છના આડેસરના નકલી તબીબે બાળકીનો કેટલા લાખમાં સોદો કર્યો હોવાનો થયો ઘટસ્ફોટ?

ભુજઃ પાટણમાં બહાર આવેલા નવજાત બાળકોના ગેરકાયદે ખરીદ-વેચાણના (Patan child trafficking case) માનવ જાતને શર્મસાર કરનારા કૌભાંડમાં કચ્છના આડેસર ગામના બૉગસ તબીબે આપેલી નવજાત બાળકીનો પાંચ લાખમાં સોદો થયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પાટણના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે, આ કૌભાંડનો સૂત્રધાર બોગસ તબીબ સુરેશ ઠાકોર (suresh thakor) અને તેની સ્ત્રી મિત્ર શિલ્પા ઠાકોરે વચેટિયા ધીરેન સાથે આડેસર આવીને અહીંના બોગસ તબીબ નરસંગ ઊર્ફે નરેશ માધા રબારી પાસેથી દોઢ બે દિવસની બાળકી મેળવી હતી.

બાળકી બીમાર હોવાથી પાટણની નિષ્કા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ બાળકીનું મૃત્યુ થતાં સુરેશ અને શિલ્પા સહિતના આરોપીઓએ બાળકીને સમી નજીક દાદર ગામે બનાસ નદીના પટમાં દાટી દીધી હતી. આરોપીઓની કબૂલાત બાદ પોલીસે સ્થળ પર તપાસ કરી પરંતુ બાળકીનો મૃતદેહ ના મળતાં આ મામલો પેચીદો બન્યો છે.

આ પણ વાંચો: પાટણ બાળ તસ્કરી મામલે શું થયો મોટો ઘટસ્ફોટ?

દસેક દિવસ અગાઉ નીરવ મોદી નામના શખ્સે સુરેશ ઠાકોરે પોતાને ૧.૨૦ લાખમાં બાળક વેચીને બાદમાં બીમાર બાળક પરત લઈને પોતાને તમામ નાણાં પાછાં નહીં આપીને ઠગાઈ કર્યાની પાટણમાં પોલીસ ફરિયાદ નોંધાવતાં આ બાળ તસ્કરીના કાંડનો ઘટસ્ફોટ થયો હતો. ધોરણ ૧૦ સુધી ભણેલા સુરેશ ઠાકોરે સાંતલપુરના કોરડા ગામે પોતાના ઘરની ઉપર ૧૦ બેડની આઈસીયુની સુવિધાથી સજ્જ હોસ્પિટલ ખોલીને છેલ્લાં ૧૦ વર્ષથી પ્રશાશનની આંખમાં ધૂળ નાખીને પ્રેક્ટિસ કરનારા સુરેશે નિઃસંતાન દંપતીઓને બાળકો વેચવાનો ‘વ્યવસાય’ પણ શરૂ કરી દીધો હતો!.

પટોળાં માટે ઓળખાતા પાટણ અને કચ્છના સીમાવર્તી ગ્રામ્ય વિસ્તારોમાં સુરેશ ઠાકોરે પોતાનું નેટવર્ક સ્થાપ્યું હતું જેમાં ખાનગી ગાયનેકોલોજીકલ હોસ્પિટલમાં કામ કરતાં ચોથા વર્ગના કર્મચારીઓ, કંપાઉન્ડરો, સરકારી પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોના કરાર આધારીત કર્મચારીઓ તથા અંતરિયાળ ગામડાઓમાં તબીબ તરીકે પ્રેક્ટિસ કરતાં બોગસ તબીબોને સાંકળ્યાં હતાં.

આ પણ વાંચો: માનવ તસ્કરી : 99 બાળકો લઈ જતાં 5 મૌલવિઓની ધરપકડ; બાળકોને બિહારથી સહારનપુર લઈ લઈ જવાતા હતા

આ ટોળકી સારવાર લેવા આવતી સગર્ભા સ્ત્રીઓ પર નજર રાખતી હતી ખાસ કરીને, સગર્ભા કુંવારી યુવતીઓ પર સવિશેષ નજર રાખવામાં આવતી હતી. આવી યુવતીઓને બાળકનો ગૂપચૂપ નિકાલ કરી આપવાની ખાતરી આપીને આ ટોળકી કુંવારી સગર્ભાઓને તેમની નકલી હોસ્પિટલમાં લઈ જઈ પ્રીમેચ્યોર ડિલિવરી કરાવતા હતા.

આ ટોળકીએ અત્યાર સુધીમાં દસથી વધુ બાળકોના ખરીદ વેચાણનો સોદો પાર પાડ્યો હોવાની પાટણ પોલીસને આશંકા છે. આગામી દિવસોમાં આ કૌભાંડનો રેલો પૂર્વ કચ્છના અન્ય વિસ્તારો અને વ્યક્તિઓ સુધી રેલાવાની પ્રબળ શક્યતા છે. નકલી તબીબ સુરેશ ઠાકોરના રાજકીય નેતાઓ સાથેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button