પક્ષ પલટુને કેવો જવાબ આપવો તે કૉંગ્રેસ સહિતના તમામ પક્ષોએ શિખવા જેવું છે Akhilesh Yadav પાસેથી
લખનઉઃ રાજકીય પક્ષોમાં પક્ષ બદલવાનું વર્ષોથી ચાલ્યું આવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળમાં આવા પક્ષ બદલતા તકવાદીઓનું ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેનું સભ્યપદ રદ કરવાનો કાયદો તો આવ્યો, પણ તેનાથી નેતાઓ કંઈ રોકાયા નહીં અને જ્યા લાભ મળે ત્યાં લાલાઓ લોટતા થઈ ગયા. ગયા દસેક વર્ષોમાં સૌથી વધારે નેતાઓ અન્ય પક્ષમાંથી ભાજપમાં આવ્યા. મહારાષ્ટ્રમાં તો બે પક્ષ તૂટી ગયા અને સરકાર પડી ભાંગી હતી. હવે લોકસભાની ચૂંટણીના પરિણામો અપેક્ષા મુજબ ન આવતા ઘણા નેતાઓને પોતાનો ઓરિજનલ પક્ષ યાદ આવી રહ્યો છે.
વિવિધ ચેનલો દ્વારા ભાજપની તરફેણમાં દર્શાવવામાં આવેલા એક્ઝિટ પોલના પરિણામો જોઈને આનંદમાં આવી ગયેલા સમાજવાદી પક્ષના પક્ષબદલું ધારાસભ્યોએ ચૂંટણીના વાસ્તિવક પરિણામો આવ્યા પછી અખિલેશ યાદવના પગે પડવાનું શરૂ કરી દીધું છે. જેના જવાબમાં અખિલેશ યાદવે પાર્ટી સાથે ગદ્દારી કરનારાઓને મળવાની ના પાડી દીધી. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં 37 બેઠકો મેળવીને રાજ્યની સૌથી મોટી પાર્ટી અને દેશની ત્રીજી પાર્ટી બનેલી સમાજવાદી પાર્ટી માટે હવે રાજ્યમાં સંજોગો બદલાયા હોય તેવું લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ફેબ્રુઆરીમાં યોજાયેલી રાજ્યસભાની બેઠક દરમિયાન અખિલેશ યાદવ સામે બળવો કરનાર સપાના ધારાસભ્યોને હવે તેમની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સપાના કેટલાક બળવાખોર ધારાસભ્યોએ સપા પ્રમુખનો સંપર્ક કર્યો છે.
સપાના પ્રવક્તા ફખરુલ હસન ચાંદે આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જે ધારાસભ્યોએ રાજ્યસભા ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવને દગો આપ્યો હતો તે હવે સપા અધ્યક્ષનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ માટે તેઓ તેમના નજીકના લોકોની મદદ લઈ રહ્યા છે, જેથી અખિલેશ યાદવ તેમની સાથે વાત કરી શકે. સપા નેતાએ દાવો કર્યો કે અખિલેશ યાદવે આ તમામ બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. એસપી પ્રવક્તાએ સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું કે બળવાખોરો પોતાના નજીકના લોકો દ્વાાર લૉબિંગ કરી રહ્યા છે અને પક્ષમાં પાછા આવવાની કોશિશ કરી રહ્યા છે, પણ અખિલેશે આવા પક્ષદ્રોહી અને તેમની વકીલાત કરતાઓને નકારી દીધા છે.
રાજ્યસભા ચૂંટણી દરમિયાન સપાના સાત ધારાસભ્યો અભય સિંહ, મનોજ પાંડે, રાકેશ સિંહ, રાકેશ પાંડે, પૂજા પાલ, વિનોદ ચતુર્વેદી અને આશુતોષ મૌર્યએ બળવો કરીને ભાજપનો પક્ષ લીધો હતો, જેના કારણે માત્ર બે જગ્યાએ જ જીત મળી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં માત્ર 2 ઉમેદવારો જીતી શક્યા. અમેઠીના ધારાસભ્ય મહારાજી દેવી પણ ગેરહાજર હતા, જેનો ફાયદો ભાજપને થયો. પાર્ટીમાં આ મોટા ભાગલા બાદ અખિલેશ યાદવને પણ આંચકો લાગ્યો હતો.
જોકે માત્ર સપા નહીં, કૉંગ્રેસ, એનસીપી, શિવસેના સહિત ઘણા પક્ષો છે જેમને તેમના ચૂંટાયેલા સભ્યોએ દગો આપ્યો અને પક્ષને ભારે નુકાસન કર્યું છે. મહારાષ્ટ્રમાં પણ અજિત પવાર સાથે જનારા વિધાનસભ્યો પણ ફરી શરદ પવારના જૂથમાં આવવા માગે છે તેવા અહેવાલો છે ત્યારે દરેક પક્ષે અખિલેશની જેમ આવા પક્ષબદલુંઓને સબક શિખવાડવો જોઈએ.
Also Read –