કાશ્મીરમાં લોકસભા સાથે વિધાનસભાની ચૂંટણી યોજવાની ઈલેક્શન કમિશનને પક્ષોની માગણી

શ્રીનગરઃ ચૂંટણી પંચે આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ ત્રણ દિવસના પ્રવાસે જમ્મુ-કાશ્મીર પહોંચી છે. ચૂંટણી પંચની ટીમે મંગળવારે શ્રીનગરમાં રાજકીય પ્રતિનિધિઓ સાથે પ્રથમ મુલાકાત કરી હતી.
બેઠક બાદ નેશનલ કોન્ફરન્સના નેતા નાસિર અસલમ વાનીએ કહ્યું હતું કે તેમણે ચૂંટણી અધિકારીઓ સમક્ષ લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી કરાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષથી લોકોને તેમની સરકાર પસંદ કરવાનો મોકો મળ્યો નથી. રાજ્યના લોકોને તેમના લોકતાંત્રિક અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે પીએમ મોદી ‘એક દેશ, એક ચૂંટણી’ની વાત કરી રહ્યા છે તો તેની શરૂઆત જમ્મુ-કાશ્મીરથી જ કેમ ના કરવામાં આવે. વાનીએ કહ્યું હતું કે અધિકારીઓએ ખૂબ ધીરજથી તેમની વાત સાંભળી. આશા છે કે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
નેશનલ કોન્ફ્રન્સના અન્ય એક નેતાએ કહ્યું હતું કે તેમણે રાજ્યના લોકોને લોકતાંત્રિક અધિકારો આપવાની માંગ ઉઠાવી છે. તેમણે કહ્યું કે અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા વિધાનસભાની ચૂંટણી થવી જોઈએ, જેથી સુરક્ષાને જોતા પરિસ્થિતિ વધુ પડકારજનક ન બને. તેમણે કહ્યું કે રાજ્યમાં ચૂંટણી કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે આવી સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં.
ભાજપના નેતા આરએસ પઠાનિયાએ કહ્યું કે તેમણે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી કેવી રીતે વધારી શકાય, લોકો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપે ચૂંટણીમાં કાશ્મીરી પંડિતોની ભાગીદારી વધારવા માટે દેશના અન્ય ભાગોમાં મતદાન મથકો સ્થાપવાની માંગ પણ ઉઠાવી હતી. તેમણે કહ્યું કે ભાજપ રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી કરાવવાના પક્ષમાં છે. જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય તો ભાજપ તેને સમર્થન આપશે.
પીડીપીના પ્રતિનિધિ ગુલામ નબી લોન હંજૂરાએ કહ્યું કે જો લોકસભાની સાથે સુરક્ષાની સ્થિતિ સારી હોય તો વિધાનસભાની ચૂંટણી થવી જોઈએ. અમે એટલી જ આશા રાખીએ છીએ કે વિધાનસભાની ચૂંટણી વહેલી તકે યોજાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષો સાથેની બેઠક બાદ ચૂંટણી પંચ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને પોલીસ અધિક્ષકો સાથે ચૂંટણી તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરશે.