સંસદનું સત્ર 24 જૂનથી ત્રીજી જુલાઈ સુધી
નવી દિલ્હી: 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી ત્રીજી જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે, એમ સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું હતું.
સત્રના પહેલા ત્રણ દિવસમાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે, જેથી લોકસભામાં તેમનું સભ્યપદને માન્યતા મળે. આ ઉપરાંત સ્પીકરની ચૂંટણી કરાવવામાં આવશે.
રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મૂ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને 27 જૂને સંબોધિત કરશે. તેમાં નવી સરકારના પાંચ વર્ષના કાર્યકાળનો રોડમેપ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : યુપી કેબિનેટે 41 પ્રસ્તાવો મંજૂર કર્યા, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ યોગી સરકાર દબાણ હેઠળ!
તેમણે કહ્યું હતું કે રાજ્યસભાનું 264મું સત્ર પણ 27 જૂનથી શરૂ થશે અને ત્રીજી જુલાઈએ તેનું સમાપન થશે. 27 જૂને રાષ્ટ્રપ્રમુખના સંબોધન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રધાનમંડળનો પરિચય સભ્યોને કરાવશે.
વડા પ્રધાનના ભાષણ પર અભિનંદનના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. વડા પ્રધાન ચર્ચા પર પોતાનો જવાબ આપશે. (પીટીઆઈ)