ટોપ ન્યૂઝનેશનલ

NDA આજે લોકસભા Speaker માટે ઉમેદવારની જાહેરાત કરશે, અનેક સાંસદો શપથ લેશે

નવી દિલ્હી : 18મી લોકસભાના પ્રથમ સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. આજે એનડીએ(NDA)તેના લોકસભા સ્પીકર(Speaker)ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત જે સાંસદો પહેલા દિવસે શપથ લઈ શક્યા ન હતા તેઓને આજે હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે.

પ્રથમ સત્રને લઈને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી

લોકસભાની ચૂંટણી 2024 બાદ ઇન્ડિયા ગઠબંધનની બેઠકો વધવાથી લોકસભાને પણ દસ વર્ષ પછી વિરોધ પક્ષના નેતાનો લાભ મળવાનો છે. તો બીજી બાજુ વિપક્ષ ડેપ્યુટી સ્પીકરના પદ માટેની આશા સેવી રહ્યું છે. જો કે આ અંગે રવિવારે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને સંસદના પ્રથમ સત્રને લઈને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કિરણ રીજીજુ, લલન સિંહ, ચિરાગ પાસવાન ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ લોકસભા સ્પીકરનું પદ પોતાની પાસે રાખવા માંગે છે

આ બેઠકમાં 18મી લોકસભાના પહેલા સંસદ સત્ર અને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદને લઈને એનડીએ ઉમેદવારના નામ માટે ચર્ચા થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ લોકસભા સ્પીકરનું પદ પોતાની પાસે રાખવા માંગે છે અને ડેપ્યુટી સ્પીકરનું પદ એનડીએના સાચી પક્ષોને આપવા માંગે છે. પાર્ટીના હાય કમાન્ડ દ્વારા સાથી પક્ષો અને વિપક્ષ સાથે આ મામલે સમજૂતી સાધવાની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને સોંપવામાં આવી છે.

લોકસભાના પ્રથમ સત્રની તોફાની શરૂઆત

18મી લોકસભાના પ્રથમ સત્રની તોફાની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન શપથ લેવા માટે ઉભા થયા કે તરત જ વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા અને બંધારણની નકલો દેખાડવાની શરૂ કરી દીધી. આ દરમિયાન પીએમ મોદીએ ઈમરજન્સીને યાદ કરતા કહ્યું કે 25 જૂન એક અવિસ્મરણીય દિવસ છે. 50 વર્ષ પહેલા આ દિવસે બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું. આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાજપના સાંસદ ભૃથરી મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button