નવી દિલ્હી: લોકસભાની ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન આજે પ્રેક્ષક ગેલેરીમાંથી બે શખસ સુરક્ષા વ્યવસ્થા તોડીને સ્મોક કેન્ડલ સળગાવી હતી, ત્યારબાદ લોકસભામાં ધુમાડો ફેલાઈ ગયો હતો. બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
વધુ બે પ્રદર્શનકારીની પણ સંસદ ભવનની નજીક ટ્રાન્સપોર્ટ હબ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. જેની ઓળખ મહારાષ્ટ્રના અમોલ અને હરિયાણાના હિસારની નીલમ (મહિલા) તરીકે કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કાર્યવાહી દરમિયાન લોકસભામાં જે બે શખ્સો ઘૂસી આવ્યા હતાં, તેમાંથી એકનું નામ સાગર છે. બંને શખસ સાંસદના નામે લોકસભાના મુલાકાતી પાસ પર આવ્યા હતા. બંને શખસ જૂતામાં સ્મોક કેન્ડલ છુપાવીને લાવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું હતું કે બંને લોકો મૈસૂરથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સાંસદ પ્રતાપ સિંહાના નામે લોકસભા વિઝિટર પાસ લઈને અંદર આવ્યા હતા. બંનેની ધરપકડ કરવામાં આવી છે.
ટેલિવિઝન ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે યુવકો એક ડેસ્કથી બીજા ડેસ્ક પર કુદી રહ્યા છે. તેઓ હાઉસના વેલ તરફ જતા દેખાયા હતા. ગૃહની અંદર હાજર સભ્યોએ બાદમાં પત્રકારોને કહ્યું કે તેઓ ‘તાના શાહી નહીં ચલેગી’ જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે, અચાનક લગભગ 20 વર્ષના બે યુવાનો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા અને તેમના હાથમાં કાનિસ્ટર હતા, જેમાંથી પીળો ધુમાડો નીકળી રહ્યો હતો, તેમાંથી એકે સ્પીકરની ખુરશી તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ધુમાડો ઝેરી હોઈ શકે છે. આ સુરક્ષામાં ગંભીર ચૂક છે, ખાસ કરીને 13 ડિસેમ્બરે જે દિવસે 2001માં સંસદ પર હુમલો થયો હતો.