
નવી દિલ્હીઃ સંસદની સુરક્ષા ચૂક કેસમાં આરોપી નીલમ આઝાદને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે સંસદના કેસની આરોપી નીલમે હાઈકોર્ટમાં વહેલી સુનાવણી માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. આ અંગે ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું હતું કે, ‘આ કેસમાં આવી કોઈ કટોકટી નથી, તેની સુનાવણી 3 જાન્યુઆરીની પહેલાથી જ નક્કી કરવામાં આવેલી તારીખે જ થશે.’ આરોપી નીલમ આઝાદે બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં જઈને આરોપ લગાવ્યો હતો કે તેની પોલીસ કસ્ટડી ગેરકાયદે છે, કારણ કે નીચલી અદાલતમાં સુનાવણી દરમિયાન તેમને બચાવ માટે તેમની પસંદગીના વકીલની સલાહ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
અરજીમાં, હાઈકોર્ટ સમક્ષ તેના પેશ કરવા નિર્દેશ આપવા માટે હેબિયસ કોર્પસની રિટ જારી કરવા સહિત તેને મુક્ત કરવાનો આદેશ આપવાનો અનુરોધ કરવામાંઆવ્યો હતો. પિટિશનમાં નીલમ આઝાદે કહ્યું હતું કે તેને તેની પસંદગીના વકીલની સલાહ લેવાની અનુમતિ નહીં આપવી એ બંધારણ હેઠળના તેના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે, જે અટકાયતના આદેશને ગેરકાયદે બનાવે છે. નીચલી કોર્ટે તેને 5 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે.
દિલ્હી હાઈકોર્ટની વેકેશન બેંચ સમક્ષ ગુરુવારે તાકીદની સુનાવણી માટે આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વરસી પર સંસદની સુરક્ષામાં મોટી ખામી સામે આવી હતી. આ સમય દરમિયાન, સાગર શર્મા અને મનોરંજન ડી. નામના બે વ્યક્તિઓ શૂન્ય કલાક દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભા ચેમ્બરમાં કૂદી પડ્યા હતા અને સૂત્રોચ્ચાર કરતા ‘કેન’માંથી પીળા રંગનો ગેસ છોડ્યો હતો. જોકે કેટલાક સાંસદોએ બંનેને પકડી લીધા હતા. તે જ સમયે, અન્ય બે વ્યક્તિઓ (અમોલ શિંદે અને નીલમ આઝાદ) એ કથિત રીતે ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ ના નારા લગાવીને સંસદ ભવન સંકુલની બહાર ‘કેન’માંથી રંગીન ગેસ છોડ્યો હતો.