ટોપ ન્યૂઝનેશનલ

Parliament Security Breach: UAPA હેઠળ કેસ નોંધાયો, આરોપીઓનું ભગત સિંહ ફેન્સ ક્લબ સાથે કનેક્શન

નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં ચૂક સાથે સંબંધિત કેસમાં દિલ્હી પોલીસ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની કલમ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસ આ મામલામાં કડક તપાસ કરી રહી છે અને સંસદની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. પાંચેય શકમંદો કથિત રીતે ભગત સિંહ ફેન્સ ક્લબ નામના ફેસબુક ગ્રુપના મેમ્બર્સ છે.

બુધવારે બપોરે બે આરોપીઓ મનોરંજન ડી અને સાગર શર્મા લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા અને પળા કલરનો ધુમાડો છોડ્યો હતો, જેના કારણે સાંસદોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. સાંસદોએ એક આરોપીઓને પકડીને માર માર્યો હતો. આ પછી તેને ગૃહના હાજર માર્શલને સોંપવામાં આવ્યો હતો.


બીજી તરફ તેમના સાથીદારો નીલમ અને અમોલ શિંદેએ સંસદ ભવન બહાર કલર સ્મોગ છોડ્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી બહાર હાજર સુરક્ષાકર્મીઓએ તેને કસ્ટડીમાં લીધા હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લલિત અને વિશાલ શર્મા તરીકે ઓળખાતા અન્ય બે આરોપીઓ પણ આ કાવતરામાં સામેલ હતા. વિશાલની હરિયાણાના ગુરુગ્રામથી અટકાયત કરવામાં આવી હતી, જ્યારે લલિત હાલ ફરાર છે.


દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ પાંચ લોકો ત્રણ દિવસ પહેલા પોતપોતાના ઘરેથી ગુરુગ્રામ પહોંચ્યા હતા અને ત્યાં એક મિત્રના ઘરે રોકાયા હતા. પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદોની પૂછપરછ કરી રહેલા દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાંચેય શકમંદો કથિત રીતે ભગત સિંહ ફેન્સ ક્લબ નામના ફેસબુક ગ્રુપના ભાગ હતા અને છેલ્લા એક વર્ષથી એકબીજાને ઓળખતા હતા.


એક અખબારી અહેવાલ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડી મનોરંજન, અમોલ શિંદે સહિત ત્રણ લોકોએ રેકી કરી હતી. આ લોકો સાંસદોની બેઠકો અને ઓડિયન્સ ગેલેરી વિશે જાણતા હતા. આ લોકો જાણતા હતા કે તેઓ પોતાને નુકસાન ન પહોંચે એ રીતે નીચે કૂદી શકે છે.” જોકે સંસદનું ચોમાસુ સત્ર જૂની સંસદમાં યોજાયું હતું જ્યારે શિયાળુ સત્ર નવી સંસદમાં યોજાઈ રહ્યું છે.


પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે જે પાસ દ્વારા સાગર શર્મા અને ડી મનોરંજન સંસદમાં પ્રવેશ્યા હતા તે પાસ પર મૈસુરના બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના હસ્તાક્ષર હતા. પોલીસનું કહેવું છે કે મનોરંજનનો પરિવાર પ્રતાપ સિમ્હાને ઓળખતો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ચોમાસુ સત્ર દરમિયાન આ લોકો કયા સાંસદના પાસથી આવ્યા હતા. ચોમાસુ સત્રના છેલ્લા દિવસે 10 ઓગસ્ટે અમોલ શિંદેએ પણ કર્તવ્ય પથ પરથી પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેના પરથી જણાય છે કે તે સમયે તે પણ શહેરમાં હાજર હતો.


સંસદમાં થયેલા હોબાળાની તપાસ કરતા દિલ્હી પોલીસે UAPA હેઠળ કેસ નોંધ્યો છે અને તેની તપાસ એન્ટી ટેરર યુનિટ સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવશે. તમામ આરોપીઓને સ્પેશિયલ સેલને સોંપવામાં આવી રહ્યા છે અને ડઝનબંધ ટીમો તપાસમાં લાગેલી છે. અનેક જગ્યાએ દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીઓ તેને દેશ વિરોધી ઘટના તરીકે જોઈ રહી છે.


ગૃહ મંત્રાલયે આ મામલે SITની રચના કરી છે. આ SITની રચના DG CRPFની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. લોકસભાના મહાસચિવે આ અંગે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે 8 એપ્રિલ, 1929ના રોજ મહાન યુવા ક્રાંતિકારી ભગત સિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હી ખાતે કેન્દ્રીય વિધાન સભામાં બોમ્બ ફેંક્યા હતા અને હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસીએશનના ચીફ ચંદ્રશેખર આઝાદે લખેલા ‘ટુ મેક ધ ડેફ હિયર’ પેમ્ફલેટ ફેંક્યા હતા. કથિત રીતે આરોપીઓએ એ આ ઐતિહાસિક ઘટનામાંથી પ્રેરણા લઈને સંસદમાં દેખાવ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button