શ્રીકાંત શિંદે, સુકાંત મજુમદાર સહિત પાંચ સાંસદને સંસદ રત્ન અવૉર્ડ
નવી દિલ્હી: ભાજપના સુકાંત મજુમદાર અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદે સહિત લોકસભાના પાંચ સાંસદને આ વર્ષના સંસદ રત્ન અવૉર્ડ માટે પસંદ કરાયા છે.
ભાજપના સુધીર ગુપ્તા, એનસીપીના અમોલ રામસિંહ કોલ્હે અને કૉંગ્રેસના કુલદીપરાય શર્માની પણ આ અવૉર્ડ માટે પસંદગી થઇ છે. તેઓને દેશની રાજધાનીમાં ૧૭ ફેબ્રુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં આ અવૉર્ડ અપાશે.
સંસદમાં બહુ સારી કામગીરી બજાવનારા સાંસદને સંસદ રત્ન અવૉર્ડ દર વર્ષે અપાય છે, જ્યારે લોકસભામાં બહુ સારી કામગીરી કરનારા સાંસદને પાંચ વર્ષે સંસદ મહારત્ન અવૉર્ડ અપાય છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામે ૨૦૧૦માં કરેલા સૂચનને પગલે ચેન્નઇની ધર્માદા સંસ્થા પ્રાઇમ પોઇન્ટ ફાઉન્ડેશન દ્વારા આ અવૉર્ડ અપાય છે.
સંસદ રત્ન અવૉર્ડ્સ કમિટીનાં અધ્યક્ષા પ્રિયદર્શિની રાહુલે જણાવ્યું હતું કે એન. કે. પ્રેમચંદ્રન (આરએસપી, કેરળ), અધીર રંજન ચૌધરી (ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ, પશ્ર્ચિમ બંગાળ), વિદ્યુત વરન મહાતો (ભાજપ, ઝારખંડ) અને હીના વિજયકુમાર ગાવિત (ભાજપ, મહારાષ્ટ્ર)ની ૧૭મી લોકસભા માટેના સંસદ
મહારત્ન અવૉર્ડ માટે પસંદગી થઇ હતી.
અગાઉ, સુપ્રિયા સુળે (એનસીપી, મહારાષ્ટ્ર), શ્રીરંગ અપ્પા બર્ને (શિવસેના, મહારાષ્ટ્ર) અને ભાતૃહરિ મહાતાબ (બીજદ, ઓડિશા)ને ૧૬મી લોકસભા માટે સંસદ મહારત્ન અવૉર્ડ મળ્યો હતો. (એજન્સી)



