24 કલાકમાં માત્ર વક્ફ બિલ જ નહીં, સંસદમાં 16 બિલ પાસ કર્યાં, જાણો સમગ્ર વિગત…

નવી દિલ્હીઃ આજે શુક્રવારે બજેટ સુત્ર પૂર્ણ થયું અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સદનની કાર્યવાહીને અનિશ્ચિત કાળ માટે સ્થગીત કરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ બજેટ સત્ર 31 જાન્યુઆરીએ શરૂ થયું હતું. આ કાર્યવાહી દરમિયાન વક્ફ (સંશોધન) બોર્ડ બિલ સહિત કુલ 16 બિલ પાસ થયાં છે. આ સત્રમાં 26 બેઠકો થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં 173 સભ્યોએ ભાગ લીધો. સૌથી મહત્વની વાત એ છે કે, આ વખતે કોઈ બિલ માટે લાંબી ચર્ચાઓ સાંભળવા મળી! પક્ષ અને વિપક્ષના સાંસદોએ બિલ પર પોતાના વિચારો રજૂ કર્યા અને આખરે બન્ને સદનમાં બિલ પસાર થયું.
સદનમાં વક્ફ (સંશોધન) બોર્ડ બિલ સહિત કુલ 16 બિલ પાસ થયાં
બજેટ સત્ર દરમિયાન 10 સરકારી બિલો ફરીથી રજૂ કરવામાં આવ્યા અને વકફ (સંશોધન) બિલ, 2024 સહિત કુલ 16 બિલો પસાર કરવામાં આવ્યા. શુક્રવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપના સભ્યોએ કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી પાસેથી તેમની ટિપ્પણી બદલ માફી માંગવાની માંગણી સાથે હંગામો મચાવ્યો. તે જ સમયે, વિપક્ષી સભ્યોએ અમેરિકાના પારસ્પરિક ટેરિફ પર ગૃહમાં હોબાળો મચાવ્યો. પરંતુ બજેટ સત્રમાં ચર્ચાઓ લાંબી ચાલી હતી. દરેક બિલ માટે સંસદ સભ્યો દ્વારા ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી.
વક્ફ (સંશોધન) બિલ પર વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતાં
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ભાજપ પર આક્ષેપ લગાવ્યો હતો કે, આ બિલ ભાજપે મનમાની કરીને બનાવ્યું છે. જેમાં મુસ્લિમોનું કોઈ ધ્યાન રાખવામાં નથી આવ્યું! આથી ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સોનિયા ગાંધીનું નામ લીધા વિના જ કહ્યું હતું કે, તેમણે સંસદનું અપમાન કર્યું છે. કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ભારે હંગામો જોવા મળ્યો હતો. વક્ફ (સંશોધન) બોર્ડ બિલને લઈને પણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષ પાર્ટીઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યાં હતાં. જો કે, સદનમાં આ દરેક વાતનો ભાજપના સાંસદોએ વળતો જવાબ આપ્યો હતો.
કિરેન રિજિજુએ ગૃહમાં સોનિયા ગાંધીની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો
સદનમાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષના સાંસદોએ ‘વડાપ્રધાન જવાબ આપો’, ‘વડાપ્રધાન સદનમાં આવો’ના નારા પણ લાગ્યાં હતાં આ નારાઓના કારણે સદનની કાર્યવાહીમાં પણ અડચણો આવી હતી. જેથી સભાપતિએ સદનની કાર્યવાહીને સ્થગીત કરી હતી. બજેટ સત્રના છેલ્લા દિવસે બપોરે 12 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે સંસદીય કાર્યોના પ્રધાન કિરેન રિજિજુએ ગૃહમાં સોનિયા ગાંધીની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો અને તેમની કોંગ્રેસ પર આકરા શબ્દોમાં વાક્ પ્રહાર પણ કર્યાં હતા.
લોકસભાની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવવા યોગ્ય નથીઃ સભાપતિ
આ અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, કોઈ વરિષ્ઠ સભ્ય દ્વારા લોકસભાની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવવા યોગ્ય નથી. સભાપતિએ વધુમાં કહ્યું કે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે એક વરિષ્ઠ સભ્ય દ્વારા ગૃહની કાર્યવાહી પર સવાલ ઉઠાવવામાં આવ્યાં, આ સંસદીય લોકશાહીની ગરિમાને અનુરૂપ નથી. નોંધનીય છે કે, સદનની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના સભ્યોએ પણ ગૃહમાં પોતાના મંતવ્યો રજૂ કરવાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો.
મણિપુર માટેના બજેટને પણ ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી
સરકારે બજેટ સત્ર દરમિયાન બજેટ પ્રક્રિયા પૂર્ણ કરી, જેમાં લોકસભાએ વિવિધ મંત્રાલયો માટે અનુદાનની માંગણીઓ સાથે નાણા બિલને મંજૂરી મળી ગઈ હતી. રાષ્ટ્રપતિ શાસન હેઠળ મણિપુર માટેના બજેટને પણ ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. એટલે જ નહીં પરંતુ સદનમાં અન્ય 16 બિલોને પણ પાસ કરી દેવામાં આવ્યાં છે. પરંતુ સૌથી વધારે ચર્ચાઓ વક્ફ (સંશોધન) બિલ પર કરવામાં આવી હતી. રાજ્ય સભામાં પણ આ બિલ પર રાત્રે 3 વાગ્યા સુધી ચર્ચાઓ થઈ હતી.
આપણ વાંચો : વકફ બિલને મંજૂરી મળતા યોગી એક્શનમાં, આપ્યો આ આદેશ