સંસદમાં ધૂસણખોરી મામલો: 50 ટીમ, 6 રાજ્યોમાં તપાસ, આરોપી સાગર પાસે 4 બેન્કની પાસબૂક મળી

નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં ગાબડું પાડવાના મામલે છ આરોપીઓની ધરપકડ બાદ દિલ્હી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. હવે પોલીસ આ આરોપીઓના બેન્ક ડિટેલ્સથી લઇને તેમના બેકગ્રાઉન્ડ સુધી બધુ જ ચકાસી રહી છે. આ માટે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની 50 ટીમ 6 રાજ્યોમાં તપાસ કરી રહી છે. આ ટીમ રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, યૂપી, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં આરોપીઓ સાથે જોડાયેલી નાની નાની જાણકારી ભેગી કરી રહી છે.
13મી ડિસેમ્બરના રોજ સંસદ ભવન પર થયેલા હુમલાની 22મી વરસી હતી. આ દિવસે જ બપોરે લગભગ 1 વાગે બે યુવકો સંસદભવનમાં ધૂસ ગયા હતાં. બંને યુવકો વિઝિટર ગેલેરીમાંથી સંસદમાં કૂદ્યા હતાં. આ બંને યુવકો એક બેન્ચ પરથી બીજી બેન્ચ પર દોડવા લાગ્યા. એ જ સમયે એક યુવકે બૂટમાંથી સ્પ્રે કાઢી પીળા રંગનો ગેસ સ્પ્રે કર્યો હતો. જેને કારણે સંસદમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે કેટલાંક સાંસદોએ આ બંને યુવકોને પકડીને સુરક્ષાકર્મીઓને હવાલે કરી દીધા હતાં. આ બંનેની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી (મૈસૂર) તરીકે થઇ હતી.
લોકસભામાં જ્યારે આ બંને યુવકો કુદ્યા ત્યારે સંસદની બહાર પ્રદર્શન કરી રહેલા એક પુરુષ અને સ્ત્રીની પોલીસે અટક કરી હતી. આ બંનેની ઓળખ અમોલ (લાતૂર) અને નીલમ (હિસાર) તરીકે થઇ હતી. ઉપરાંત વધુ એક આરોપી સંસદની બહાર હાજર હતો. જેનું નામ છે લલિત. લલિતે સંસદની બહાર ચાલી રહેલા પ્રદર્શનનો વીડિયો બનાવ્યો. તેની પાસે તમામ ચાર આરોપીઓના મોબાઇલ ફોન હતાં. ત્યાર બાદ લિલિત ભાગી ગયો હતો. તે દિલ્હીથી રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસે તેની પણ અટક કરી છે. ઉપરાંત રાજસ્થાનમાં લલિતની મદદ કરનારા મહેશ કુમાવતની પણ અટક કરવામાં આવી છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ રાજસ્થાનમાં લલિત અને મહેશ કુમાવત, મહારાષ્ટ્રના લાતૂરમાં અમોલ, હરિયાણાના હિસારમાં નીલમ, લખનૌમાં સાગર શર્મા, મૈસૂરમાં મનોરંજન ડીની બેન્ક ડિટેલ્સ, બેકગ્રાઉન્ડ અને ઘરની તપાસ કરી રહી છે. સ્પેશિયલ સેલની ટીમ આરોપીઓને પણ પોતાની સાથે લઇ ગઇ છે. નીલમના ઘરેથી બેન્ક ડિટેલ્સ અને કેટલાંક પુસ્તકો મળી આવ્યા છે. ઉપરાંત સાગર શર્માના ઘરેથી પણ એની ડાયરી મળી આવી છે. ઉપરાંત તેના ઘરેથી ચાર પાસબૂક પણ મળી આવી છે. પોલીસ આ એકાઉન્ટ્સમાં થયેલ લેવડ-દેવડની પણ તપા કરી રહી છે.
સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ બધા આરોપીઓની તપાસ પૂરી થયા બાદ તેમને એનએફસીની સ્પેશિયલ સેલની ટીમને સોંપવામાં આવશે. ત્યાર બાદ બધાને સાથે બેસાડીને તપાસ હાથ ધરવામાં આવશે.
દિલ્હી પોલીસે રવિવારે આરોપીઓના પરિવારના સભ્યોના નિવેદન નોંધ્યા છે. ઉપરાંત રાજસ્થાનના નાગૌરીથી કેટલાંક તૂટેલાં અને બળી ગયેલા મોબાઇલ ફોન ટૂકડા પણ એકઠાં કર્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસે આરોપીઓના ઘરની તપાસ કરી તેમના પિરવારજનોની નિવેદનો નોંધ્યા હતાં.
પોલીસે આરોપીઓની સામે એફઆઇઆરમાં પુરાવા નષ્ટ કરવા સાથે સંકળાયેલી આઇપીસીની કલમો લગાવી છે. તપાસ કરી રહેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે, લલિતના દિશાસૂચનના આધારે શનિવારે મોબાઇલ ફોનના ટૂકડા શોધી કાઢ્યા હતાં. આ મોબાઇલ આરોપીઓના છે. પોલીસે જણાવ્યું કે, લલિત અને મહેશે આ કેસ સાથે સંકળાયેલા ટેક્નીકલ પુરાવા સંતાડવા માટે જાણી જોઇને મોબાઇલ ફોન નષ્ટ કર્યા હતાં.