Parliament: ગૃહ ન ચાલવાનું કારણ કોંગ્રેસ અને ભાજપ છે, SP અને TMC ના આરોપ
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રની શરૂઆત જ હોબાળા (Ruckus in Parliament)સાથે થઇ હતી, ત્યાર બાદ અલગ અલગ મુદ્દે બંને ગૃહોમાં કાર્યવાહી ખોરવાતી રહી. કોંગ્રેસ આદણી સામે લાગેલા આરોપો અંગે ચર્ચા ઈચ્છે છે તો ભાજપે સોનિયા ગાંધીના અમેરિકાના ઉદ્યોગપતિ સાથેના કથિત સંબંધોનો મુદ્દો ઉઠાવ્યો છે, આજે પણ બંને ગૃહો થોડા સમય માટે સ્થગિત કરવા પડ્યા હતાં. ગૃહમાં હોબાળા અંગે INDIA ગઠબંધનના સાથી પક્ષો અલગ અલગ દેખાઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટી અને ટીએમસીએ આ મુદ્દાઓને ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ ગણાવ્યો અને ગૃહમાં કામ ન થવા પર બંને પક્ષોને જવાબદાર ગણાવ્યા છે.
સમાજવાદી પાર્ટીએ શું કહ્યું?
સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે, “આજે ગૃહનું કામકાજ થયું અને અમને આશા છે કે થતું રહેશે. અમે ન તો જ્યોર્જ સોરોસના મુદ્દા સાથે છીએ કે ન તો ગૌતમ અદાણીના મુદ્દા સાથે. અમે માનીએ છીએ કે ગૃહ ચાલવું જોઈએ. અમને આશા છે કે બંને પક્ષોના લોકો ગૃહની કામગીરી પ્રત્યે સમર્પણ બતાવશે. શુક્રવારે અને શનિવારે બંધારણ પર ચર્ચા થશે. સમાજવાદી પાર્ટી ઇચ્છે છે કે ગૃહ ચાલે.’
આ પણ વાંચો : કોવિડ વેક્સિનને કારણે નહીં, આ કારણે વધી રહ્યા છે અચાનક મૃત્યુના કેસ, સંસદમાં સ્વસ્થ્ય પ્રધાનનો જવાબ
TMCએ શું કહ્યું?
TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ગૃહને કામકાજ ન થવા દેવા બદલ કોંગ્રેસ અને ભાજપ પર સીધો સવાલ કર્યો છે. ટીએમસી સાંસદે કહ્યું, “કોંગ્રેસ અને બીજેપીના કારણે ગૃહ સ્થગિત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને ભાજપની પસંદગી પ્રમાણે જ ગૃહ ચાલશે? આ વાજબી નથી. અહીં ઘણી બધી પાર્ટીઓ છે. સંસદીય લોકશાહી કોંગ્રેસ અને ભાજપ પર નિર્ભર નથી.”
તેમણે વધુમાં કહ્યું કે, “એક દિવસ કોંગ્રેસ ગૃહ ચલાવવા માંગે છે અને ભાજપ મુશ્કેલી ઊભી કરે છે. એક દિવસ ભાજપ ચલાવવા માંગે છે અને કોંગ્રેસ હોબાળો કરે છે. અન્ય પક્ષો કંઈ બોલી નથી શકતા. ભાજપ શાસક પક્ષ છે, તેથી તેમને પ્રાધાન્ય મળે છે. કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે, તેથી તેને પ્રાધાન્ય મળે છે. અમે રાજ્યની સ્થિતિ કહી શકતા નથી.”