નેશનલ

સંસદ ભવન વકફની જમીન પર બન્યું છે! બદરુદ્દીનના દાવા અંગે કોંગ્રેસે કહી આ વાત

નવી દિલ્હી: સરકારે વકફ સુધારણા બીલ (Waqf amendment bill) સંસદમાં રજુ કર્યા બાદથી વકફ પ્રોપર્ટી અંગે ઘણા વિવાદિત દાવાઓ કરવામાં આવી રહ્યા છે, એવામાં ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે (Badruddin Ajmal) મોટો દાવો કર્યો હતો કે સંસદ અને દિલ્હી એરપોર્ટ વકફની જમીન પર બનેલા છે, તેમનો આ દાવો 24 કલાક પણ ટકી શક્યો નથી. દિલ્હી વક્ફ બોર્ડના જણાવ્યા મુજબ તેમની પાસે એવો કોઈ દસ્તાવેજ નથી.

બદરુદ્દીન અજમલના આ નિવેદન પર કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે જો તેમની પાસે તેમના દાવા અંગે કોઈ પુરાવા છે તો તેમણે જેપીસી સમક્ષ રજૂ કરવા જોઈએ.

બુધવારે બદરુદ્દીન અજમલે આરોપ લગાવીને વિવાદ જગાવ્યો હતો કે દિલ્હીમાં સંસદ ભવન અને તેની આસપાસના વિસ્તારો, જેમાં વસંત વિહાર અને એરપોર્ટ પણ સમાવેશ થાય છે એ તમામ વકફ બોર્ડની મિલકત પર બાંધવામાં આવ્યા છે.

દિલ્હી વક્ફ બોર્ડે બદરુદ્દીન અજમલના દાવાને ફગાવી દીધો છે. જોકે વકફ બોર્ડે કહ્યું કે એરપોર્ટ વિશે એવું સાંભળવામાં આવ્યું છે કે એરપોર્ટની આસપાસ એક મઝાર હતી, જેના આધારે એરપોર્ટ પર દાવો કરવામાં આવે છે, પરંતુ એવો કોઈ દસ્તાવેજ નથી કે એરપોર્ટ વકફની જમીન પર બનેલું છે.

બદરુદ્દીન અજમલે કર્યો હતો આવો દાવો:
જમીયત ઉલમા દ્વારા આયોજિત એક બેઠકમાં AIUDF નેતા મૌલાના બદરુદ્દીન અજમલે વકફ મિલકતના મામલે સરકારના વલણની આકરી ટીકા કરી હતી. બદરુદ્દીન અજમલે વકફ બિલની વિરુદ્ધ બોલતા કહ્યું કે નવી સંસદ પોતે વકફ જમીન પર છે. તેમણે દાવો કર્યો હતો કે સરકાર વકફ બોર્ડની 9.7 લાખ વીઘા જમીન હડપ કરવા માંગે છે.

બદરુદ્દીને વકફની જમીન મુસ્લિમ સમુદાયને સોંપવાની માંગ કરી, તેમણે કહ્યું કે સરકારે વક્ફની તમામ જમીન મુસ્લિમોને સોંપવી જોઈએ. જો સરકાર અમને જમીન આપશે તો અમે પોતે મુસ્લિમ સમુદાય માટે શિક્ષણ, આરોગ્ય અને અનાથાશ્રમની વ્યવસ્થા કરીશું. આ માટે અમને કેન્દ્ર સરકારની કોઈ ઉપકારની જરૂર નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button