લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ૯ માર્ચ સુધી સ્થગિત; હવે બીજા તબક્કામાં જામશે ખરાખરીનો જંગ

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતા લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. હવે સંસદના બંને ગૃહો ૯ માર્ચ ૨૦૨૬ના રોજ બજેટ સત્રના બીજા તબક્કા માટે ફરીથી મળશે. પ્રથમ તબક્કા દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અને કેન્દ્રીય બજેટ પર પ્રારંભિક ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. આ આશરે ત્રણ અઠવાડિયાના વિરામ દરમિયાન સાંસદો બજેટ દરખાસ્તોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને વિવિધ સમિતિઓમાં તે અંગે ચર્ચા વિચારણા કરશે.
૯ માર્ચથી શરૂ થનારા બીજા તબક્કામાં સદનનું વાતાવરણ વધુ હંગામેદાર અને ગરમાયેલું રહેવાની શક્યતા છે. આ ગાળા દરમિયાન વિવિધ મંત્રાલયોની અનુદાન માંગણીઓ, નાણા વિધેયક અને અન્ય મહત્વપૂર્ણ વિધાયક કાર્યો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ સમય દરમિયાન બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, તેથી સત્તાધારી પક્ષ પોતાની યોજનાઓને સફળતાપૂર્વક પસાર કરાવવા પ્રયત્ન કરશે, જ્યારે વિપક્ષ જનતા સાથે જોડાયેલા પ્રશ્નો પર સરકારને ઘેરવાની રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે.
રાજકીય વિશ્લેષકોના મતે, બીજા તબક્કામાં અનેક મહત્વના મુદ્દાઓ પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આકરી અને ઉગ્ર દલીલો અને જંગ જોવા મળી શકે છે. ખાસ કરીને આર્થિક નીતિઓ અને વિકાસલક્ષી કાર્યોના અમલીકરણ મુદ્દે ગૃહમાં હંગામો થવાની પૂરેપૂરી શક્યતા છે. અત્યારે બંને ગૃહોમાં મળેલી રજાઓ બાદ જ્યારે ૯ માર્ચે ફરી બેઠક મળશે, ત્યારે દેશની નજર સંસદમાં થનારી મહત્વની કાયદાકીય પ્રક્રિયાઓ અને વિપક્ષના આક્રમક વલણ પર રહેશે.



