‘આગામી ચૂંટણી બાદ વિપક્ષનું આટલું સંખ્યાબળ પણ નહીં રહે’, વડાપ્રધાન મોદીનું નિવેદન
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં ચૂક મામલે સાંસદના બંને ગ્રહોમાં વિપક્ષ હોબાળો મચાવી રહ્યું છે, ગઈ કાલે સોમવારે બંને ગૃહોના મળીને 78 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, વિપક્ષ સરકાર પર ‘સરમુખત્યારશાહી વર્તન’ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિપક્ષના સાંસદોના વર્તનની ટીકા કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસદીય દળની બેઠકમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષના સાંસદોનું વર્તન દુઃખદ છે. તેમના વર્તન પરથી લાગે છે કે સુરક્ષાનો ભંગ કરનારાઓને વિપક્ષનું સમર્થન છે.
વિપક્ષી નેતાઓની નિંદા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની આવી હરકતોને કારણે 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષની સંખ્યા હજુ ઓછી થશે. વર્તમાન સંખ્યાબળ સાથે પણ તેઓ ગૃહમાં રચનાત્મક કાર્ય કરવા માટેનું વલણ ધરાવતા નથી.
તેમણે વધુમાં કહ્યું કે, નવા મતદારોએ એ યુગ જોયો નથી કે જ્યારે રોજેરોજ નવા કૌભાંડો થતા હતા. વિપક્ષના એ કૃત્યો અંગે યુવા મતદારો વિશે જાગૃત કરવાની જરૂર છે. એવું લાગે છે કે વિપક્ષે નક્કી કર્યું છે કે તેઓ વિપક્ષમાં જ રહેવું છે, તેમને આગળ નથી વધવું.
2024ની લોકસભાની ચૂંટણીને બાબતે વડા પ્રધાન મોડીએ ભાજપાના સાંસદોને કહ્યું કે, આ સભા હોલમાં અત્યારે જે ખાલી જગ્યા છે, તે જોઈને લાગે છે કે આ જગ્યા પણ આગામી સમયમાં ભરાઈ જશે.
વડા પ્રધાન મોદીએ બીજેપી સાંસદોને કહ્યું, સંસદ ગૃહમાં જે પણ થયું તેને સમર્થન આપવું ખૂબ જ અયોગ્ય છે. વિપક્ષ જે કંઈ કરી રહ્યો છે તે તેમની હતાશા અને નિરાશા દર્શાવે છે. તેમનો ઉદ્દેશ્ય નરેન્દ્ર મોદીને હટાવવાનો છે અને આપણો ઉદ્દેશ્ય દેશનો વિકાસ કરવાનો છે. આપણી અને તેમની વિચારસરણીમાં આ જ તફાવત છે. હવે રજાનો સમય નજીક છે. તમે લોકો વચ્ચે દૂરના ગ્રામીણ વિસ્તારોમાં જાઓ અને જાણો કે વિકાસ કેવી રીતે થયો છે? હું ગઈ કાલે કાશી ગયો હતો અને મેં જોયું કે યુવાનોમાં આશા છે.
બીજી તરફ વિપક્ષ સુરક્ષા ચૂક મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગ સાથે ગૃહમાં વિરોધ કરી રહ્યો છે. આજે મંગળવારે પણ વિપક્ષી સાંસદોએ નવી સંસદ ભવનનાં મુખ્ય દરવાજા પર બેસીને વિરોધ કર્યો હતો. આ પ્રદર્શનમાં કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ પણ ભાગ લીધો હતો.