સંસદમાં 7 સ્મોક કેન્સ લઇને પ્રવેશ્યા, ગૂગલ સર્ચ કરીને માહિતી મેળવી.. સુરક્ષાભંગના આરોપીઓ વિશે ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હી: દિલ્હી પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાગર શર્મા, ડી. મનોરંજન, અમોલ શિંદે, નીલમ દેવી અને લલિત મોહન ઝા આ પાંચ શખ્સો ધુમાડો ફેલાવતા 7 કેન્સ લઇને સંસદમાં અરાજકતા ફેલાવવા માટે પ્રવેશ્યા હતા.
સંસદની સુરક્ષા ભંગની ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓને માહિતી મળી છે કે આરોપીઓએ ઘટનાને અંજામ આપતા પહેલા ગૂગલ પર સંસદની આસપાસના વિસ્તાર વિશે સંશોધન કર્યું હતું, તેમજ સંસદ પર થયેલા એટેકના વીડિયો પણ તેમણે જોયા હતા. આ ઉપરાંત કેવીરીતે ચેટ સુરક્ષિત રાખવી, જેથી પોલીસ તેના રેકોર્ડ્ઝ મેળવી ન શકે, આરોપીઓ ઇચ્છતા હતા કે તેમની પ્રવૃત્તિ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બને, આથી તેમણે સત્ર દરમિયાન જ સંસદમાં પ્રવેશીને અરાજકતા ફેલાવવાની યોજના બનાવી હતી.
આ ઘટના બન્યાને 2 દિવસથી વધુનો સમય વીતી ગયો છે, તેમ છતાં વિપક્ષ સતત આ મુદ્દાને લઇને ગૃહમાં હોબાળો મચાવી રહ્યા છે. વિપક્ષ દ્વારા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગૃહમાં જવાબ આપે તેવી માગ સાથે દેખાવ- પ્રદર્શન થઇ રહ્યું છે, જેથી 2 દિવસથી સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવાની જરૂર પડી રહી છે.
સીપીઆઇ સાંસદ બિનોય વિશ્વમે કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાને સંસદમાં અને ભારતની જનતાને જવાબ આપવો પડશે. 13 ડિસેમ્બરના રોજ સુરક્ષા ભંગ બદલ ગૃહમાં હંગામો કરનારા 13 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગઇકાલે પણ આ જ મુદ્દે સતત અસ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને ગૃહની કાર્યવાહીમાં વારંવાર ખલેલ પહોંચી હતી. કોઇ પણ ચર્ચાઓ વગર કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
પીએમ મોદીએ ઘટના અંગે પોતાનું નિવેદન આપ્યું છે, તેમણે જણાવ્યું હતું કે વિપક્ષોએ આ ઘટનાને રાજકીય મુદ્દો બનાવવો ન જોઇએ.