સસંદની સુરક્ષાભંગઃ કૉંગ્રેસના નેતાએ વડા પ્રધાનની ટીકા કરતા શું કહ્યું
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા જયરામ રમેશે સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું છે કે પીએમ આ મુદ્દે ચર્ચાથી ભાગી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ટીકાનો મારો ચલાવ્યો હતો.
જયરામ રમેશે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો બુધવારે, 13મી ડિસેમ્બરના રોજ જે બન્યું અને તે જે રીતે બન્યું તે અંગે ગૃહ પ્રધાન પાસેથી નિવેદનની માંગ કરી રહ્યા છીએ. વડાપ્રધાન આ મામલે ચર્ચાથી દૂર ભાગી રહ્યા છે.
રમેશે જણાવ્યું કે મૈસુરના ભાજપના સાંસદ પ્રતાપ સિન્હાની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવશે, જેમણે 13 ડિસેમ્બરે આરોપીઓને લોકસભામાં પ્રવેશવામાં મદદ કરી હતી. સંસદના શિયાળુ સત્ર દરમિયાન બુધવારે લોકસભામાં હંગામો મચાવનાર બે આરોપી સાગર શર્મા અને મનોરંજન ડી પાસે ભાજપના સાંસદ પ્રતાપ સિન્હાના રેફરન્સવાળા વિઝિટર પાસ હતા.
આ પહેલા એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ આ ઘટનાને ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક ગણાવી હતી. તેમણે કહ્યું છે કે આ મુદ્દે વાદવિવાદ કે પ્રતિકાર કરવાને બદલે તેના ઊંડાણમાં જવું જરૂરી છે. આમ કરવાથી જ મામલો ઉકેલાશે.
તેમણે કહ્યું કે સંસદની સુરક્ષામાં થયેલી ક્ષતિઓને લઈને વિપક્ષ સતત કેન્દ્ર સરકારને ભીંસમાં લઈ રહી છે. ઘટનાની ગંભીરતાને ઓછી આંકવી જોઈએ નહીં. સ્પીકર સર ઓમ બિરલા આ બાબતે ગંભીરતાથી તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તપાસ એજન્સીઓ દ્વારા પણ આ મામલાની કડક તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાના દિવસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં નીલમ અને અમોલ શિંદે સિવાય સાગર અને મનોરંજનનો સમાવેશ થાય છે. આ કેસના કથિત કાવતરાખોર લલિત ઝાની એક દિવસ પછી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે છઠ્ઠા આરોપી મહેશ કુમાવતની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.