છ મોબાઈલ ફોનથી જાણવા મળશે સંસદ પરના હુમલા પાછળનો ઈરાદો
નવી દિલ્હીઃ ગઈકાલે દિલ્હી ખાતે સંસદભવનની સુરક્ષા ભંગ કરવાના પ્રયાસો થયા હતા, આ ઘટનાએ દેશભરમાં ખળભળાટ ફેલાવ્યો છે. સુરક્ષા એજન્સીઓ હાલમાં એ તપાસમાં વ્યસ્ત છે કે સંસદની સુરક્ષાનો ભંગ કરનારાઓનો હેતુ શું હતો. આ સાથે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ લલિતને શોધવામાં વ્યસ્ત છે જે તમામ આરોપીઓના ફોન લઈને ભાગી ગયો હતો. લલિત કોલકાતાનો રહેવાસી છે. તે પકડાયા બાદ જ સમગ્ર મામલો બહાર આવશે કે તેમનો ઈરાદો શું હતો.
સંસદની સુરક્ષાનો ભંગ કરનારા ચાર આરોપીઓની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તે કહે છે કે તેણે બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ અને મણિપુરની સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોરવું હતું, તેથી તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, એજન્સી આ વાત પર સંપૂર્ણ વિશ્વાસ નથી કરતી. આરોપીઓના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે ત્યારે જ મૂળ હેતુ શું હતો તેની જાણકારી મળશે, તેમ એજન્સીનું કહેવાનું છે. ચારેય આરોપીઓના મોબાઈલ ફોન લલિત પાસે છે, જે હજુ ફરાર છે. તપાસ એજન્સીને શંકા છે કે તે મોબાઈલમાંથી પુરાવા ભૂંસી નાખવા માટે દરેકના મોબાઈલ ફોન લઈને ભાગી ગયો છે.
મળતી માહિતી અનુસાર અમોલે પોલીસને જણાવ્યું કે તેણે મુંબઈ નજીક આવેલા પરા વિસ્તાર કલ્યાણમાંથી લગભગ રૂ. 1200માં પાંચ રંગીન ધુમાડા ફેંકવાના કેન ખરીદ્યા હતા. એક અધિકારીએ કહ્યું કે તમામ આરોપીઓની વિચારધારા સમાન છે. આથી તેઓ કોઈ સંસ્થા કે સંગઠન સાથે જોડાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.
કોલકાતાના રહેવાસી લલિત ઝા વ્યવસાયે શિક્ષક છે અને તે આ સમગ્ર ઘટનાનો મુખ્ય ષડયંત્રકાર છે. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ જણાવ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, ત્યારબાદ તમામ છ લોકો ફેસબુક પર ભગત સિંહના ફેન પેજ સાથે જોડાયા હતા. લલિત, સાગર શર્મા અને મનોરંજન એક વર્ષ પહેલા મૈસૂરમાં મળ્યા હતા, જ્યાં તેઓએ સંસદમાં પ્રવેશવાની યોજના બનાવી હતી. બાદમાં તેણે નીલમ અને અમોલને પણ સામેલ કર્યા. શિક્ષક લલિતે આ સમગ્ર મામલાની આગેવાની કરી હતી. તેમણે મનોરંજનને ચોમાસુ સત્ર દરમિયાન સંસદના તમામ એન્ટ્રી પોઈન્ટની તપાસ કરવા કહ્યું હતું.
લલિતનું છેલ્લું લોકેશન રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર નીમરાનામાં મળ્યું હતું. પોલીસે અગાઉ કહ્યું હતું કે પાંચેય 10 ડિસેમ્બરે ભેગા થયા હતા અને ગુરુગ્રામમાં વિશાલ શર્માના ઘરે રોકાયા હતા. હાલ નીલમ, મનોરંજન, અમોલ અને વિશાલ કસ્ટડીમાં છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તેની પૂછપરછ કરી છે.