નેશનલપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

પેરિસ ઓલિમ્પિક્સ મેડલિસ્ટ સરબજોત સિંહે સરકારી નોકરીની ઓફર ઠુકરાવી, જાણો શું છે કારણ

અંબાલા: ભારતીય શૂટર સરબજોત સિંહે (Sarabjot Singh) પેરિસ 2024 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને મોટી સિદ્ધિ મેળવી છે. સરબજોતે મનુ ભાકર સાથે પેરિસ ઓલમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે પુરૂષોની 10 મીટર પિસ્તોલ સઇવેન્ટના ફાઇનલ બર્થમાં તે મેડલ ચૂકી ગયો હતો. સરબજોત સિંહને હરિયાણા સરકાર તરફથી નોકરી ઓફર આવી હતી, સરબજોતે આ નોકરી સ્વીકરવાની ઇનકાર કર્યો હતો.

મનુ અને સરબજોતે દક્ષિણ કોરિયાની ઓહ યે જિન અને લી વોન્હોની જોડીને ચેટોરોક્સના નેશનલ શૂટિંગ સેન્ટરમાં 16-10થી હરાવીને શૂટિંગ ટીમ ઈવેન્ટમાં ભારતને પ્રથમવાર ઓલિમ્પિક મેડલ અપાવ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવવા છતાં, સરબજોત પેરિસ ઓલિમ્પિકમાં તેના પ્રદર્શનથી સંતુષ્ટ નથી અને તેણે આગામી ઓલિમ્પિકમાં વધુ સારું પ્રદર્શન કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી.

સરબજોતે પેરિસમાં બ્રોન્ઝ જીત્યા પછી એક નિવેદન આપતા કહ્યું કે, “મારે હજુ મારું મુખ્ય ધ્યેય હાંસલ કરવાનું બાકી છે. આશા છે કે હું 2028 માં મારું મુખ્ય લક્ષ્ય પૂર્ણ કરીશ. હું મારી અંગત ડાયરીમાં લખતો હતો કે હું પેરિસમાં મારું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. જો કે, મારે હજુ મારું શ્રેષ્ઠ આપવાનું બાકી છે. 2028 માં ગોલ્ડ માટે શૂટિંગ કરવા માંગુ છું,”

પેરિસ ઓલમ્પિકમાં સફળતા પછી હરિયાણાના અંબાલાના 22 વર્ષીય સરબજોતનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું. કોચ અભિષેક રાણા સાથે સરબજોતનું પરિવાર, સંબંધીઓ અને ગ્રામજનો દ્વરા ખૂબ જ ધામધૂમપૂર્વક ઢોલના નાદ વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરબજોત સિંહને શૂટિંગમાં વધુ સિદ્ધિઓ હાંસલ કરવાની ઇચ્છા છે અને તેને પ્રાથમિકતા આપી રહ્યો છે. પેરિસ ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ હરિયાણા સરકાર દ્વારા રમતગમત વિભાગમાં ડેપ્યુટી ડાઈરેક્ટરના પદ માટેઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે તેની શૂટિંગ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નોકરીની ઓફરને ઠુકરાવી દીધી હતી.

સરબજોતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ પદ સમ્માનપૂર્ણ છે, પરંતુ હું હમણાં કોઈ નોકરી સ્વીકારવા ઈચ્છતો નથી. હું પહેલા મારા શૂટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું.”

તેણે કહ્યું, “અગાઉ મારા પરિવારજનોએ પણ મને સ્ટેબલ નોકરી મેળવવા માટે કહ્યું હતું, પરંતુ હું શૂટિંગમાં આગળ વધવા માંગુ છું. મેં જે નિર્ણયો લીધા છે તેની વિરુદ્ધ હું જવા માંગતો નથી, તેથી હું અત્યારે નોકરી લઈ શકું તેમ નથી.”

સરબજોતના પિતા જતિન્દર સિંહ એક ખેડૂત છે અને માતા હરદીપ કૌર ગૃહિણી છે. તેણે ચંદીગઢમાં ડીએવી કોલેજ અભ્યાસ કર્યો હતો અને અંબાલા કેન્ટની એઆર શૂટિંગ એકેડમીમાં કોચ અભિષેક રાણા હેઠળ તાલીમ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button