પરીક્ષા પે ચર્ચા 2026: પીએમ મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ ક્યાં અને કેટલા વાગે લાઈવ જોઈ શકશો? જાણો અહીં એક ક્લિક પર…

નવી દિલ્હી/મુંબઈઃ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની નવમા સંસ્કરણમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકો સાથે ચર્ચા કરશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીજી વિદ્યાર્થીઓને પરીક્ષાનો સ્ટ્રેસ દૂર કરવાનો ગુરુમંત્ર આપવાની સાથે સાથે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા પણ કરશે. આવી સ્થિતિમાં તમને પણ સવાલ થયો હશે કે આખરે આ કાર્યક્રમને કેટલા વાગે અને ક્યાં લાઈવ જોઈ શકાશે? ડોન્ટ વરી તમારા આ સવાલનો જવાબ તમને આ સમાચાર પૂરા થતાં સુધીમાં મળી જશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને ટીચર સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં એક્ઝામ સમયે થતાં સ્ટ્રેસથી કઈ રીતે લડવું, 10મા અને 12મા ધોરણની ટકાવારી પર જ દરેક વસ્તુ નિર્ભર નથી કરતી અને જીવનમાં આવનારા પડાવો અને પડકારોનો કઈ રીતે સામનો કરવો જોઈએ એ વિશે ચર્ચા કરશે.
2025નો રેકોર્ડ બ્રેક, આટલા વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આજે એટલે કે છઠ્ઠી ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે છ વાગ્યે શરૂ થશે અને આ વર્ષના આ કાર્યક્રમે પોતાના ભૂતકાળના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે. આ કાર્યક્રમ માટે આશરે 6.76 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 4.5 કરોડ વિદ્યાર્થીઓ છે. આ વખતના આ આંકડાઓએ 2025ના 3.53 કરોડના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને બ્રેક કરી દીધો છે.

આ રીતે જોઈ શકશો લાઈવ સ્ટ્રીમિંગ
પીએમ મોદીજીના આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને તમે દુરદર્શન, ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ, ડીડી ઈન્ડિયા, પીએમ મોદીજીની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ અને Mygov પર જોઈ શકો છો. આ સિવાય તમે ફેસબુક અને ઓલ ઈન્ડિયા રેડિયો પર પણ આ કાર્યક્રમ લાઈવ સાંભળી શકશો.
શું છે પરીક્ષા પે ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ?
અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દ્વારા પીએમ મોદી વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરથી મુક્ત થઈને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાની સલાહ આપે છે. તેઓ ટાઈમ મેનેજમેન્ટ, સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ અને જીવનમાં નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો તેવા વિષયો પર હળવી શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડે છે.



