Parshuram Jayanti: “યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનં ધર્મસ્ય… ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે” આ ગીતાવચન પ્રમાણે જયારે ધર્મની હાની થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરે છે. તેમના દશાવતારોમા પરશુરામ પણ એક અવતાર માનવામાં આવે છે. આજે અક્ષય તૃતીયા એટલે ભગવાન પરશુરામની જન્મતિથી.
ભાગવતના નવમા સ્કંદના પંદર અને સોળમા અધ્યાયમાં ભગવાન પરશુરામનું ચરિત્ર આલેખાયુ છે. ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાનાં પુત્ર એટલે ભાર્ગવ પરશુરામ. ભાર્ગવ વંશના બ્રાહ્મણો પહેલા ગુજરાતના આનર્ત પ્રદેશમાં વસતા હતા. તેઓ હૈહય ક્ષત્રીય વંશના કુલગુરુ હતા.
જયારે હૈહયવંશનાં રાજા કાર્તીવીર્ય ભગવાન દત્તાત્રેય પાસેથી એક હજાર હાથનું વરદાન મેળવીને તમોગુણી બની ગયો ત્યારે ભગવાન પરશુરામ શાસ્ત્રધારીથી શસ્ત્રધારી બન્યા. તેઓ તેમના ક્રોધી સ્વભાવના કારણે ખુબ જ જાણીતા છે. સીતા સ્વયંવરમાં ભગવાન રામે શિવધનુષ્યનો ભંગ કર્યો ત્યારે પરશુરામ ખુબ જ ગુસ્સે ભરાયા હતા.
પરશુરામનું મુખ્ય શસ્ત્ર કુહાડી ગણાય છે. તેને ફરસા, પરશુ પણ કહે છે, જે ભગવાન શિવ દ્વારા પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત તેમણે બ્રહ્માસ્ત્ર, આગ્નેય, રૌદ્ર, વજ્ર, પાશ જેવા ચાલીસ શસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું.
ભગવાન પરશુરામને શક્તિ, સાહસ અને સત્યનું પ્રતિક માનવામાં આવે છે. તેમના જીવનનો એક જ સંદેશ છે કે “દુરાચારીનું તો કાયમ દમન જ કરાય”. તેમણે શસ્ત્ર ઉગામીને ક્ષત્રિયોને કાયમ ક્ષત્રીય ધર્મ નિભાવવા પ્રેર્યા છે. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું બળ મળે તો જ સર્વાંગી રીત સમાજ અને રાષ્ટ્ર સુદૃઢ, સમૃદ્ધ અને સદાચારી બને.