નવી દિલ્હી: આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી છે, આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે વડા પ્રધાન મોદીએ સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમણે કહ્યું કે દેશની આઝાદી માટે તેમનું અતૂટ સમર્પણ આજે પણ આપણને પ્રેરણા આપે છે. સરકારે વર્ષ 2021માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસ 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું કે, “ભારતના લોકોને પરાક્રમ દિવસ પર અભિનંદન. આજે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર, અમે તેમના જીવન અને સાહસનું સન્માન કરીએ છીએ. આપણા દેશની આઝાદી માટે તેમનું અતૂટ સમર્પણ આજે પણ આપણને પ્રેરણા આપે છે.”
વડાપ્રધાન મોદી આજે મંગળવારે સાંજે લાલ કિલ્લા પર પરાક્રમ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ પ્રસંગે, આર્કાઇવલ પ્રદર્શનો, દુર્લભ ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો પ્રદર્શિત કરવામાં આવશે જે નેતાજી અને આઝાદ હિંદ ફોજની નોંધપાત્ર યાત્રાની જાણકારી આપશે.
ગયા વર્ષે, પરાક્રમ દિવસ પર, વડા પ્રધાન મોદીએ આંદામાન અને નિકોબારના 21 ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવાની જાહેરાત કરી હતી.