રાહુલ ગાંધી પછી હવે પપ્પુ યાદવને સ્પીકરે શિસ્ત જાળવવાની કરી ટકોર

નવી દિલ્હી: ગઇકાલે લોકસભામાં અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ રાહુલ ગાંધીને લોકસભાની મર્યાદાની શિખામણ આપી હતી ત્યારે આજે તેના બીજા જ દિવસે લોકસભા સાંસદ પપ્પુ યાદવને ગૃહમાં શિસ્તમાં બેસવા ટકોર કરી હતી. સાંસદ પપ્પુ યાદવ કેન્દ્રીય મંત્રીના ખભા પર હાથ રાખીને ગૃહની અંદર વાતો કરી રહ્યા હોય આથી સ્પીકરનાં રોષ સહન કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ ગુરુવારે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુની બાજુમાં બેઠા હતા. આ દરમિયાન પપ્પુ યાદવે મંત્રીના ખભા પર હાથ મૂકીને તેમની સાથે વાતો કરવા લાગ્યા હતા. જેની લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નોંધ લીધી હતી.
આ પણ વાંચો: ધક્કામુક્કી કાંડ: લોકસભાના સ્પીકરે સંસદના કોઈ પણ ગેટની આસપાસ વિરોધ પ્રદર્શન કરવા મૂક્યો પ્રતિબંધ
અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી
ઓમ બિરલાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પપ્પુ યાદવને ગૃહની અંદર શિષ્ટાચાર જાળવવાની સલાહ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પપ્પુ યાદવ પૂર્ણિયા એરપોર્ટના મુદ્દા પર કેન્દ્રીય મંત્રી સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મંત્રીના ખભા પર હાથ મૂક્યો હતો.
રાહુલ ગાંધીને પણ આપી હતી ભલામણ
ઉલ્લેખનીય છે કે બુધવારે લોકસભા અધ્યક્ષ બિરલાએ રાહુલ ગાંધીને ગૃહમાં સૂચારુ વર્તન કરવાની સલાહ આપી હતી. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને ખબર નથી કે સ્પીકર શું વિચારી રહ્યા છે, મેં કંઈ નહોતું કર્યું. વિપક્ષના નેતાએ એવો પણ આરોપ લગાવ્યો કે તેમને ગૃહમાં બોલવા દેવામાં આવ્યા ન હતા.