મહારાષ્ટ્રમાં ધાર્મિક કાર્યક્રમમાં મહિલા ચોરોનો તરખાટઃ 13ની ધરપકડ
પંઢરપુરઃ ધર્મમાં માનતા હોવ કે ન હોવ પણ કોઈ ધાર્મિક સ્થળ કે કાર્યક્રમમાં જાઓ ત્યારે થોડીક તો પવિત્રતા આવી જતી હોય છે, પરંતુ કમનસીબે આમ બનતું નથી અને મોટા ભાગના ધાર્મિક સ્થળો કે કાર્યક્રમોમાં ચપ્પલ ચોરાવાથી માંડી મોબાઈલ ચોરાવાની ઘટનાઓ બનતી રહી છે. આવી જ ઘટના મહારાષ્ટ્રમાં બની છે જ્યાં ભક્તોના સોનાના ઘરેણા ચોરાયા અને તે પણ મહિલાઓએ ચોર્યા.
ઘટનાની મળતી માહિતી અનુસાર પંઢરપુરમાં પંડિત પ્રદીપ મિશ્રાના કાર્યક્રમમાં ભક્તો પાસેથી દાગીનાની ચોરી કરનાર 13 મહિલાઓ અને એક પુરુષની પોલીસે ધરપકડ કરી છે. તમામ ચોર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના છે. પોલીસ તમામની પૂછપરછ કરી રહી છે અને તેમની ગેંગ વિશે માહિતી મેળવી રહી છે.
મહારાષ્ટ્રના પંઢરપુરમાં પ્રખ્યાત પંડિત પ્રદીપ મિશ્રાનો કાર્યક્રમના પહેલા દિવસે ભીડનો ફાયદો ઉઠાવીને ઘરેણાંની ચોરી કરનાર 13 મહિલા અને એક પુરુષની પોલીસે ધરપકડ કરી છે. જોકે તેમની ગેંગમાં હજુ બીજા લોકો પણ સામેલ હોવાનું માનવામાં આવે છે.
જોકે પોલીસની કામગીરીની પ્રશંસા કરવા જેવી છે. તેમણે પહેલેથી જ તૈયારી કરી રાખી હતી. વાસ્તવમાં પોલીસને અંદાજ હતો કે પંડિત પ્રદીપ મિશ્રાના કાર્યક્રમમાં લાખો ભક્તો આવશે. ચોર અને લૂંટારાઓ પણ આ તકનો ફાયદો ઉઠાવશે. જેથી પોલીસે ત્યાં પોતાની ટીમો બનાવી હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે અહીં 7 થી 8 લાખ ભક્તો આવ્યા હતા. આ દરમિયાન પોલીસે 13 મહિલા અને 1 પુરુષની ધરપકડ કરી હતી. જેમણે કાર્યક્રમ દરમિયાન ભક્તોનો સામાન અને દાગીનાની ચોરી કરી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર જણાવ્યું કે આ ટોળકી સાથે જોડાયેલા તમામ ચોરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાકીના સાથીદારોને પણ શોધી કાઢવામાં આવી રહ્યા છે.
કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાનો જન્મ મધ્ય પ્રદેશના સિહોરમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમનું પેટા નામ રઘુ નામ છે. તેમના પિતાનું નામ રામેશ્વર દયાલ મિશ્રા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંડિત પ્રદીપ મિશ્રાએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ પંડિતોની સાથે સાથે શાળામાં પણ ભણાવવા લાગ્યા. તેઓ બાળપણથી જ આ શિવપુરાણનો ઉપદેશ કરતા આવ્યા છે. તેથી જ પંડિત પ્રદીપ મિશ્રાની ખ્યાતિ ધીમે ધીમે વધવા લાગી અને આજે તેમના કરોડોની સંખ્યામાં અનુયાયીઓ છે.