હોળીના દિવસે દારુ પીવા મુદ્દે ઝઘડો થતા પતિએ પત્નીની કરી નાખી હત્યા
મુંબઈઃ દેશવાસીઓ ગઈકાલે હોળીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્રના પાલઘરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જેમાં દારુના નશામાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. હોળીના દિવસે દારૂના સેવન મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં પતિએ પત્ની હત્યા કરી હતી, જે કેસમાં પતિની ધરપકડ કરી હતી.
પાલઘર જિલ્લામાં 38 વર્ષના શખસનું દારૂ પીવાને કારણે તેની પત્ની સાથે બોલાચાલી થયા પછી પતિએ પોતાની પત્નીને મારી-મારીને મોતને ઘાટ ઉતારી હતી. જોકે પત્નીની હત્યાના આરોપમાં પોલીસે પતિની પણ ધરપકડ કરી લીધી છે. 25 માર્ચ એટલે કે હોળીની રાત્રે રાધ્ય ઘાપસી નામના શખસે મુડગાંવમાં પોતાના ઘરે પત્ની જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું મૃત્યું નીપજ્યું હતું. મૃતકની ઓળખ ભારતી ઘાપસી (44 વર્ષ) નામે કરવામાં આવી હતી.
આરોપીને દારૂ પીવાની આદતને લઈને બંન્ને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. જે બાદ આક્રોશમાં આવીને રાધ્યએ ભારતીને એક લાકડીનો ટૂંકડો મારી દીધો હતો. બાદમાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. કાસા પોલીસે પત્નીની હત્યા કરવા અંગે પતિ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નશાની આદતના કારણે આ કેસમાં એક સાથે બે જિંદગી બરબાદ થઈ ગઈ છે ત્યારે અન્ય નશો કરતા લોકોએ પણ આ કિસ્સા પરથી પાઠ ભણીને પણ લોકોએ નશાથી દૂર રહેવાની કોશિશ કરવી જોઈએ, એમ પોલીસે જણાવ્યું હતું.