ન્હાવા શેવા ખાતે અટકાવાયેલા જહાજ પર મિસાઇલની સાધનસામગ્રી
મુંબઈ: મહાનગરના ન્હાવા શેવા બંદરે દેશની સિક્યોરિટી એજન્સીઓએ ચીનથી કરાચી જઇ રહેલા જહાજને અટકાવ્યું હતું અને તેમાંથી પાકિસ્તાનના અણુ અને મિસાઇલ કાર્યક્રમ માટે ઉપયોગી સાધનસામગ્રી પકડી પાડી હતી.
કસ્ટમ્સ અધિકારીઓએ ગુપ્તચર વિભાગની માહિતીને આધારે માલ્ટાના ધ્વજવાળું વેપારી જહાજ (મર્ચંટ શિપ) ‘સીએમએ સીજીએમ એટિલા’ અટકાવ્યું હતું. તેમાંથી મળેલી શંકાસ્પદ વિવિધ સાધનસામગ્રીમાં
ઇટલીની એક કંપનીએ બનાવેલું કમ્પ્યૂટર ન્યુમરિકલ ક્ધટ્રોલ મશીન (સીએનસી) પણ હતું. આ મશીનનું નિયંત્રણ એક કમ્પ્યૂટર દ્વારા કરાય છે અને તેનાથી વધારે ચોક્સાઇભર્યું કામ થઇ શકે છે. ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ની ટીમે પણ આ જહાજ પરની સાધનસામગ્રીની ચકાસણી કરી હતી અને એ વાતને સમર્થન આપ્યું હતું કે આ જહાજ પરની સાધનસામગ્રીનો દુરુપયોગ પાકિસ્તાન અણુ કાર્યક્રમ માટે કરી શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જહાજ પરથી મળેલી સાધનસામગ્રીનો દુરુપયોગ પાકિસ્તાન પોતાના મિસાઇલ કાર્યક્રમ માટે પણ કરી શકે છે. અણુશસ્ત્રોનો ફેલાવો રોકવા કરાયેલા આંતરરાષ્ટ્રીય ‘વાસનેટ એગ્રીમેન્ટ’ (કરાર)ની યાદીમાં ૧૯૯૬થી કમ્પ્યૂટર ન્યુમરિકલ ક્ધટ્રોલ મશીન (સીએનસી)નો પણ સમાવેશ કરાયો હતો. ભારત આ કરાર પર સહી કરનારા ૪૨ દેશમાંનું એક છે. તેઓ પરંપરાગત શસ્ત્રો અને સંબંધિત સાધનસામગ્રી તેમ જ ટૅક્નૉલૉજીને લગતી માહિતીની આપલે કરે છે.
ઉત્તર કોરિયા પોતાના અણુ કાર્યક્રમ માટે કમ્પ્યૂટર ન્યુમરિકલ ક્ધટ્રોલ મશીન (સીએનસી)નો દુરુપયોગ કરતું હોવાનું કહેવાય છે.
ન્હાવા શેવા પોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુપ્તચર વિભાગે આપેલી માહિતીને આધારે સંરક્ષણ વિભાગને સતર્ક કરાયું હતું.
જહાજ પરની સાધનસામગ્રીના મળેલા અનેક બિલ પર માલ મોકલનારના નામમાં ‘શાંઘાઇ જેએક્સઇ ગ્લૉબલ લૉજિસ્ટિક્સ કંપની લિમિટેડ’ લખાયું હતું અને તે પાકિસ્તાનના સિયાલકોટની ‘પાકિસ્તાન વિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ’ માટે હોવાનું કહેવાય છે.
આમ છતાં, આ પ્રકરણમાં વધુ તપાસ કરવામાં આવતા માલૂમ પડ્યું હતું કે ૨૨,૧૮૦ કિલોગ્રામનો માલ ‘ટાઇયુઆન માઇનિંગ ઇમ્પોર્ટ ઍન્ડ એક્સ્પોર્ટ કંપની લિમિટેડ’એ મોકલ્યો હતો અને તે પાકિસ્તાનની ‘કૉસ્મૉસ એન્જિનિયરિંગ’ માટે હતો.
પાકિસ્તાનની ‘કૉસ્મૉસ એન્જિનિયરિંગ’ સંરક્ષણ વિભાગને માલ પૂરો પાડે છે અને ૨૦૨૨ની ૧૨ માર્ચથી તેના પર નજર રખાય છે એટલે કે ‘વૉચલિસ્ટ’માં છે.
પાકિસ્તાન યુરોપ અને અમેરિકાથી આવી વાંધાજનક સાધનસામગ્રી ચીનના માર્ગે મગાવતું હોવાનું પણ કહેવાય છે. ચીન દ્વારા પાકિસ્તાનના અણુ અને મિસાઇલ કાર્યક્રમને મદદ કરાતી હોવાનું જગજાહેર છે. (એજન્સી)