પાકિસ્તાનના લશ્કરી વડાની અમેરિકાની મુલાકાત અંગે ભારતે વ્યક્ત કરી ચિંતા | મુંબઈ સમાચાર

પાકિસ્તાનના લશ્કરી વડાની અમેરિકાની મુલાકાત અંગે ભારતે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે તેમને પાકિસ્તાની લશ્કરના વડાની અમેરિકાની મુલાકાત અંગે માહિતી મળી હતી, જેમાં પાકિસ્તાન લશ્કરના વડા અને અમેરિકાના સંરક્ષણપ્રધાન સહિત અનેક નેતાઓ વચ્ચે બેઠક પણ થઇ હોવાના અહેવાલો છે.

પાકિસ્તાનના લશ્કરના વડા જનરલ અસીમ મુનીરની આ પ્રથમ અમેરિકાની મુલાકાત હતી. આ દરમિયાન તેઓ અમેરિકાના રક્ષાપ્રધાન તેમજ સંયુક્ત રાષ્ટ્રોના મહાસચિવ સાથે પણ બેઠક કરી હતી. આ મુલાકાત અંગે ભારતીય વિદેશખાતાએ પ્રતિક્રિયા આપી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે તેમણે પાકિસ્તાની લશ્કરના વડા જનરલ અસીમ મુનીરના અમેરિકાના પ્રવાસના અહેવાલો જોયા છે. આતંકવાદને પાકિસ્તાનના સમર્થન અને સીમાપાર હુમલાઓને લઇને અમારી ચિંતાઓથી સૌ કોઇ વાકેફ છે. અમને આશા છે કે અન્ય દેશો પણ તેને ગંભીરતાથી લેશે.

જનરલ અસીમ મુનીર 11 ડિસેમ્બરે અમેરિકા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અનેક હાઇપ્રોફાઇલ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. અમેરિકાના રક્ષાપ્રધાન જનરલ લોયડ ઓસ્ટિન, વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કન, ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ વિક્ટોરિયા ન્યુલેન્ડ, ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જોનાથન ફિનર અને યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. આ મુલાકાતોમાં આર્થિક સંબંધો તથા સરહદી સુરક્ષા મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી.

સંબંધિત લેખો

Back to top button