નેશનલ

શ્રીલંકા સામે પાકિસ્તાનની ઐતિહાસિક જીત

હૈદરાબાદ: વર્લ્ડ કપની આઠમી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને છ વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે ૫૦ ઓવરમાં નવ વિકેટે ૩૪૪ રન કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને ૪૮.૨ ઓવરમાં ચાર વિકેટે ૩૪૮ રન બનાવીને મેચ જીતી લીધી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ સૌથી મોટો રન ચેઝ છે. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ સતત બીજો
વિજય છે.

પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે સદીની ઇનિંગ્સ રમી હતી. રિઝવાન ૧૨૧ બોલમાં ૧૩૪ રન કરીને અણનમ રહ્યો હતો. શફીકે ૧૧૩ રનની ઇનિંગ રમી હતી. સઉદ શકીલે ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. ઈફ્તિખાર અહેમદ ૨૨ રન કરીને અણનમ રહ્યો હતો. ઈમામ ઉલ હક ૧૨ અને કેપ્ટન બાબર આઝમ ૧૦ રન કરીને આઉટ થયા હતા. શ્રીલંકા તરફથી મધુશંકાએ સૌથી વધુ ૨ વિકેટ ઝડપી હતી. આ સિવાય મહિષ તિક્ષ્ણા અને મતિષા પથિરાનાને ૧-૧ સફળતા મળી
હતી.

અગાઉ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૪૪ રન કર્યા હતા. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

કુસલ મેન્ડિસે ૭૭ બોલમાં ૧૨૨ રન કર્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ૧૪ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સદિરા સમરવિક્રમાએ પણ ૮૯ બોલમાં ૧૦૮ રન કર્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે શ્રીલંકાની ટીમ સરળતાથી ૪૦૦નો સ્કોર કરશે પરંતુ છેલ્લી ઓવરોમાં પાકિસ્તાને વાપસી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button