ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાનના હુમલાને બનાવ્યા નિષ્ફળઃ ‘નાપાક’ના જુઠ્ઠાણાનો સેનાએ કર્યો પર્દાફાશ

નવી દિલ્હી: કાશ્મીરથી લઈને પશ્ચિમી સરહદ કચ્છ જિલ્લાનાં સિરક્રિક પર પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલોથી કરવામાં આવેલા હુમલા અંગે આજે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સેના તરફથી કર્નલ સોફિયા કુરેશીએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુરુવારે પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકત માટે નાગરિકી વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો, જેથી ભારતને જવાબી કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડે.

36 સ્થળ પર હુમલા

કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ બ્રીફિંગની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે ગઈકાલના મધ્યરાત્રિએ પાકિસ્તાને સૈન્ય માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવા માટે ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સરહદ પર લેહથી સરક્રિક સુધી 36 સ્થળ પર હુમલા કરવામાં આવ્યા હતા, જેમાંથી ભારતીય સૈન્ય દળોએ ઘણા ડ્રોનને તોડી પાડ્યા હતા. વધુમાં માહિતી આપતાં કર્નલ કુરેશીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર ઘૂસણખોરી માટે 300-400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી પણ ભારતે ઘણા ડ્રોનને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા.

આ પણ વાંચો: હિન્દુસ્તાન ઝિંદાબાદ થા… ઝિંદાબાદ હૈ… ઝિંદાબાદ રહેગા!

પાકિસ્તાનનો ટાર્ગેટ જનતા

તેમણે આગળ જણાવ્યું હતું કે હુમલા દરમિયાન પાકિસ્તાને પોતાના નાગરિકી વિમાનોનું સંચાલન બંધ કર્યું નહોતું. પાકિસ્તાન તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે કરાચી અને લાહોર જેવા મોટા શહેરોમાં પેસેન્જર પ્લેન ઉડાન ભરી રહ્યા હતા, જેનાથી સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હતા. પ્રાથમિક તપાસમાં આ હુમલાઓમાં તુર્કીના ડ્રોનનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. ભારતીય વાયુસેનાએ આ હુમલાનો તાત્કાલિક જવાબ આપતા એક ડ્રોનનો કાઉન્ટર એટેક કર્યો હતો, જેમાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર પ્રણાલીને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવી હતી.

ભારતના હુમલા મર્યાદિત

કર્નલ કુરેશીએ ભારતીય વાયુસેનાની પ્રતિક્રિયાને ખૂબ જ મર્યાદિત ગણાવી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાનની સેનાને આ જવાબી કાર્યવાહીમાં ભારે નુકસાન થયું છે અને તે તેના સૈન્ય અભિયાન માટે એક મોટો ફટકો છે. સેના તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને ભલે સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા હોય, પરંતુ ભારતીય સુરક્ષા દળોએ આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સંયમ જાળવ્યો હતો અને જવાબી હુમલાને મર્યાદિત રાખ્યો હતો, જેથી સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન થાય. તેમણે જણાવ્યું હતું કે ભારતના આ રક્ષણાત્મક અને સંવેદનશીલ વલણની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો: હિલાલ અહેમદ: ધર્મ પૂછીને ગોળી મારનારાના ગાલ પર તમતમતો તમાચો છે આ રાફેલ પાયલટ…

પૂંચમાં ગુરુદ્વારા પર હુમલો

વિદેશ સચિવે પાકિસ્તાનના દાવાઓને ખોટા ઠેરવતા જણાવ્યું હતું કે પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે તેમણે કોઈ ધાર્મિક સ્થળ પર હુમલો નથી કર્યો, જ્યારે હકીકત એ છે કે તેમણે પૂંછમાં ગુરુદ્વારા પર હુમલો કર્યો હતો. આ હુમલાઓની જવાબદારી લેવાને બદલે પાકિસ્તાન એવું કહી રહ્યું છે કે ભારતીય આર્મી આવું કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન એવું પણ કહી રહ્યું છે કે ભારતે નનકાના સાહિબ પર ડ્રોન હુમલો કર્યો છે અને આ મામલાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે પહેલગામ હુમલામાં પણ જોવા મળ્યું હતું. પાકિસ્તાન સાંપ્રદાયિક વિવાદ ઊભો કરવાના ઉદ્દેશથી સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સેના સંપૂર્ણ સંયમથી વર્તે છે

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું હતું કે પાકિસ્તાને સાત મેના સાંજના 8.30 વાગ્યે વિના કોઈ કારણ ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો, જેમાં બે નિષ્ફળ રહ્યા. એના પછી પણ પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્રમાં લોકો માટે બંધ કર્યું નહોતું. પાકિસ્તાન પેસેન્જર ફ્લાઈટ્સના ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. ભારત-પાકિસ્તાનની બોર્ડર પર પણ આંતરરાષ્ટ્રીય વિમાન અને અન્ય પેસેન્જર ફ્લાઈટ માટે સુરક્ષિત નથી. અમે એનો સ્ક્રિનશોટમાં પણ બતાવ્યો હતો, જેમાં પંજાબ સેક્ટરમાં એર ફોર્સની ચેતવણી વખતે એપ્લિકેશન ફ્લાઈટ રડાર 24નો ડેટા બતાવ્યો હતો. અમે સામાન્ય લોકો માટે ફ્લાઈટની સેવા બંધ કરી હતી. એનાથી ભારતના ટ્રાફિક જ નહીં, પરંતુ પાકિસ્તાની સીમામાં પેસેન્જર ફ્લાઈટ ઉડી રહી છે. કરાચી અને લાહોરની વચ્ચે પણ પેસેન્જર એર ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. ભારતીય સેના સંપૂર્ણ સંયમપૂર્વક વર્તી રહી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય નાગરિકોને લઈ જવામાં આવી રહ્યા છે અને સુરક્ષિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button