પહલગામ હુમલા બાદ હાંકી કઢાયેલા પાકિસ્તાની મહિલાને મળશે વીઝા: ગૃહ મંત્રાલય

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટને જાણ કરી છે કે તેણે પાકિસ્તાની નાગરિક રક્ષંદા રાશિદને વિઝિટર વીઝા આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અગાઉ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે બાદમાં ભારત પરત ફરવાની મહિલાની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.
35 વર્ષ પહેલા ભારતીય નાગરિક સાથે વિવાહ કર્યા હતાં
રક્ષંદા રાશિદે આજથી 35 વર્ષ પહેલા જમ્મુમાં ભારતીય નાગરિક શેખ હજૂર અહમદ સાથે વિવાહ કર્યા હતાં. જો કે તેઓને પાકિસ્તાની નાગરિકોની યાદીમાં શામેલ કરી દેવાથી દેશમાંથી બહાર જવું પડ્યું હતું. સરકારે તેઓને 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડી દેવાના નિર્ણયનાં કારણ ભારત છોડવું પડ્યું હતું.
આ પણ વાંચો: યુએનએસસીના અહેવાલમાં મોટો દાવો, લશ્કરે તૈયબાના સમર્થન વિના પહલગામ હુમલો અશક્ય…
આ જાણકારી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટને આપતા જણાવ્યું હતું કે, “આ કેસની વિશિષ્ટ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, મંત્રાલયે વિચાર-વિમર્શ બાદ તેમને વિઝીટર વીઝા આપવાનો નિર્ણય લીધો છે.”
કોર્ટે શું કહ્યું તેના ચુકાદામાં?
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરુણ પાલી અને ન્યાયમૂર્તિ રજનીશ ઓસવાલની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે, રક્ષંદા રાશિદ ભારતીય નાગરિકતા અને દીર્ઘકાલીન વીઝા માટે દાખલ કરેલી પોતાની બંને અરજીઓને આગળ વધારી શકે છે. સોલિસિટર જનરલની દલીલોને નોંધતા કોર્ટે કહ્યું, “એકવાર સક્ષમ પ્રાધિકરણ તરફથી સૈદ્ધાંતિક નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ તેમને ઝડપથી આગંતુક વીઝા જારી કરવામાં આવશે.”