પાકિસ્તાની ખેલાડી ભારતીય ટીમ વતી રમ્યો એટલે આવી બન્યું! તેણે ખુલાસામાં કહ્યું કે…

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ક્રિકેટરોને 2008ની પહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પછી ક્યારેય વિશ્વની આ સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાં નથી રમવા મળ્યું એટલે વર્ષોથી પાકિસ્તાનને ભારતની ખૂબ ઇર્ષ્યા થાય છે અને એમાં હવે થોડા વર્ષોથી ભારતની પ્રખ્યાત પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)માં પણ પાકિસ્તાનને પોતાના ખેલાડીઓને રમવા મોકલવાની તક નથી મળતી એટલે તેમને પેટમાં દુખે છે અને એટલે જ તેમણે ભારતની એક ટીમ સાથે સંબંધ રાખવા બદલ પોતાના જ એક પ્લેયર વિરુદ્ધ પગલું લીધું છે.
વાત એવી છે કે મંગળવાર, 16મી ડિસેમ્બરે બહરીનમાં કબડ્ડીની એક પ્રાઇવેટ ટૂર્નામેન્ટ રમાઈ હતી જેમાં પાકિસ્તાનનો ઉબઈદુલ્લા રાજપૂત નામનો ખેલાડી ભારતીય ટીમ વતી રમ્યો હતો. આવું કરવા બદલ તેની સામે શિસ્તભંગના કડક પગલાં ભરવામાં આવે એવી સંભાવના છે.
આપણ વાચો: ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરો એક જ ટીમમાં? આ કેવી રીતે શક્ય છે?
ઉબઈદુલ્લા જીસીસી કપમાં ભારતીય ટીમ વતી રમ્યો હતો. એટલું જ નહીં, સ્વાભાવિક છે કે તેણે ભારતીય ખેલાડીઓ જેવું જ ટી-શર્ટ પહેર્યું હતું તેમ જ ભારતનો તિરંગો લહેરાવી રહ્યો હોય એવી ઍક્શન પણ કરી હતી.
પાકિસ્તાન કબડ્ડી ફેડરેશનના સેક્રેટરી રાણા સન્વારે 27મી ડિસેમ્બરે તાકીદની બેઠક બોલાવી છે જેમાં ઉબઈદુલ્લા વિરુદ્ધ પગલાં નક્કી કરાશે. સન્વારે કરાચીમાં પત્રકારોને કહ્યું, ` ભારત, પાકિસ્તાન, કૅનેડા, ઇરાન વગેરે દેશની ટીમ વતી તેમના જ ખેલાડીઓ રમ્યા હતા, પરંતુ ઉબઈદુલ્લાહ શા માટે ભારતીય ટીમ વતી રમ્યો? બીજું, પાકિસ્તાનથી 16 કબડ્ડી ખેલાડી મારી મંજૂરી લીધા વગર બહરીન ગયા હતા.’
આપણ વાચો: પાકિસ્તાનના બોમ્બમારામાં અફઘાનિસ્તાનના 3 ક્રિકેટરોનાં મોત પર રાશિદે ઠાલવ્યો આક્રોશ
પાકિસ્તાની ખેલાડીએ ખુલાસામાં શું કહ્યું
ઉબઈદુલ્લા રાજપૂતે માફી માગવાની સાથે ખુલાસામાં કહ્યું છે કે ` મને બહરીનમાં રમવા આવવાનું આમંત્રણ મળ્યું હતું અને મને એક પ્રાઇવેટ ટીમમાં સમાવવામાં આવ્યો હતો. મને મોડે સુધી કહેવામાં નહોતું આવ્યું કે મારે જે ટીમ વતી રમવાનું છે એને ભારતનું નામ અપાયું છે.
મેં આયોજકોને વિનંતી પણ કરી હતી કે ટીમને ભારત કે પાકિસ્તાન નામ ન આપો. ભૂતકાળમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ સંયુક્ત રીતે એક પ્રાઇવેટ ટીમ વતી રમી ચૂક્યા છે. ભારત સાથેના યુદ્ધ પછી હું ભારતીય ટીમ વતી રમવાનું સપને પણ ન વિચારું. મને જો અગાઉથી જાણ હોત તો કે મારે ભારતીય ટીમ વતી રમવાનું છે તો મેં ના જ પાડી દીધી હોત.’



