પાકિસ્તાન સામે વધુ એક પગલું; પાકિસ્તાન હાઇ કમિશનના સ્ટાફને ભારત છોડવા આદેશ…

નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આવેલા 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરીને આતંકવાદને સમર્થન આપતા પાકિસ્તાનને ભારતે પાઠ ભણાવ્યો છે. હવે ભારત પાકિસ્તાન સામે રાજ્દ્વારીય પગલા પણ ભરી રહ્યું છે. દિલ્હીમાં પાકિસ્તાની હાઇ કમિશનના એક એક સ્ટાફને 24 કલાકની અંદર ભારત છોડવા કહેવામાં આવ્યું છે. તેને પર્સોના નોન ગ્રેટા (Persona non grata) જાહેર કરવામાં આવ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલએ ભારતના આ પગલાં અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ તેમના X એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે.
24 કલાકની અંદર ભારત છોડે:
વિદેશ મંત્રાલયે એક પ્રેસ નોટમાં જણાવ્યું કે, ભારત સરકારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં ફરજ બજાવતા એક પાકિસ્તાની સ્ટાફ સભ્યને ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો છે. અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે આજે પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી’અફેર્સને એક ડિમાર્ચ મોકલવામાં આવ્યું છે.
હિન્દુ પાકિસ્તાની નાગરિકો ભારતમાં જ રહેશે:
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, “પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા બધા માન્ય વિઝા 27 એપ્રિલથી રદ કરવામાં આવ્યા છે, જ્યારે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વિઝા 29 એપ્રિલ સુધી માન્ય રહ્યા હતાં. વિઝા રદ કરવાનો નિર્ણય હિન્દુ પાકિસ્તાની નાગરિકોને પહેલાથી જ આપવામાં આવેલા લાંબા ગાળાના વિઝા પર લાગુ થશે નહીં, જે માન્ય રહેશે.”
ભારતીયો પાકિસ્તાનની મુસાફરી ટાળે:
ભારતીય નાગરિકોને સલાહ આપતા મંત્રાલયે કહ્યું, “ભારતીય નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપવામાં આવે છે. હાલમાં પાકિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને પણ વહેલી તકે ભારત પાછા ફરવાની સલાહ આપવામાં આવે છે.”
પર્સોના નોન ગ્રેટા જાહેર થવું એટેલે શું?
જ્યારે કોઈ વ્યક્તિને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ થાય કે તે દેશમાં તેનું સ્વાગત નથી અને તેના રાજદ્વારી વિશેષાધિકારો રદ કરવામાં આવ્યા છે. પર્સોના નોન ગ્રેટા જાહેર થયા બાદ રાજદ્વારી મિશનના કર્મચારીને તેમના દેશમાં પાછા મોકલવામાં આવે છે અને તેમની ફરજો સમાપ્ત કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, યજમાન દેશ તેને રાજદ્વારી સ્ટાફના સભ્યો તરીકે ઓળખવાનું બંધ કરે છે.