નેશનલ
પાકિસ્તાની બોલર શાહિન શાહ આફ્રિદી પ્રથમ વખત વન-ડે રેન્કિંગમાં બન્યો નંબર વન બોલર
કોલકાતા: પાકિસ્તાનના ઝડપી બોલર શાહિન શાહ આફ્રિદી વન-ડે રેન્કિંગમાં નંબર વન બોલર બન્યો હતો. શાહિન આફ્રિદીએ તેના કરિયરમાં પ્રથમ વખત રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
આફ્રિદીએ ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને સાત સ્થાનની છલાંગ લગાવીને પાછળ છોડી દીધો હતો. આફ્રિદીએ બંગલાદેશ સામેની વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનની જીતમાં ૨૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ જ મેચમાં તેણે તેની ૧૦૦મી વન-ડે વિકેટ પણ પુરી કરી હતી. આ વર્લ્ડ કપમાં તે ઑસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાની સાથે સાત મેચમાં ૧૬ વિકેટ લઈને સંયુક્ત રીતે ટોચ પર છે.
રેન્કિંગમાં ભારતના મોહમ્મદ સિરાજ ત્રીજા સ્થાને અને સ્પિનર કુલદીપ યાદવ સાતમા સ્થાને છે. બેટ્સમેનોમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોચ પર છે. ભારતનો શુભમન ગિલ બીજા સ્થાને, રોહિત શર્મા પાંચમા સ્થાને અને વિરાટ કોહલી સાતમા સ્થાને છે.