સરહદી કચ્છમાં પણ પાકિસ્તાની-બાંગ્લાદેશીઓને ટ્રેસ કરવાનું અભિયાન શરૂ

ભુજઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ફરવા આવેલા પર્યટકો પર પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ કરેલા હુમલા બાદ બંને દેશ વચ્ચે ભારે તંગદિલ્લી પ્રવર્તી રહી છે ત્યારે ગુજરાતના સુરત અને અમદાવાદમાં રહેનારા સેંકડો બાંગલાદેશીને અટકમાં લેવાયા છે તેવામાં પાકિસ્તાનને અડકીને આવેલા સરહદી જિલ્લા કચ્છમાં પણ રહેનારા પરપ્રાંતીયોની ચકાસણી વ્યાપકપણે શરૂ થઈ છે.
પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના જણાવ્યા મુજબ, ઉચ્ચ સ્તરેથી સૂચનાનાં પગલે ઘૂસણખોરી કરીને કચ્છમાં રહેતા લોકોને ટ્રેસ કરવાના પ્રયાસ ચાલુ કરી દેવાયા છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં હાલ ટૂંકા વિઝામાં એક પણ પાકિસ્તાની નાગરિક નથી, જ્યારે લાંબા વિઝાના ૧૭૦ પાકિસ્તાની નાગરિક અહીં છે.
આ પણ વાંચો: કચ્છ સીમાને લશ્કરને હવાલે કરાશે? સરહદી ગામોમાં વધી લશ્કરી હલચલ
ભૂકંપ બાદના કચ્છના ઔદ્યોગિક વિકાસનાં પગલે દેશના વિવિધ રાજ્યોમાંથી અનેક લોકોએ કચ્છને તેમની કર્મભૂમિ બનાવી છે. આ ઉપરાંત સોનાં-ચાંદીના ઘરેણાના બંગાળી કારીગરો પણ મોટી સંખ્યામાં અહીં સ્થાઈ થયા છે. પર્યટકો પરના આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે, ત્યારે સુરક્ષાને લઈને કોઈ પણ ચૂક ન થઈ જાય તે માટે કચ્છ પોલીસ વધુ સતર્ક બની છે.
દરમ્યાન, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તેવામાં સમગ્ર કચ્છમાં આડેસરથી કોટેશ્વર અને ખાવડાથી મુંદરા, તેમજ સરહદી ગામો સુધી સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવી દેવાઈ છે. જિલ્લામાં આવાગમન કરતાં નાનાં-મોટાં વાહનોની ચેકપોસ્ટો અને ધોરીમાર્ગ પર સઘન ચકાસણી અવિરત રખાઈ છે. સામાન્ય રીતે સરહદો તરફ જતા માર્ગો ઉપર સુરક્ષા તંત્રોનાં વાહનોના કાફલા જોવા મળતા હોય છે. અલબત્ત હજુ આવી કતારો દેખાતી નથી. આમ છતાં ગમે તેવી કપરી સ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિતો સજ્જ હોવાની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ ચૂક્યો છે.