
નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશ વચ્ચે સંઘર્ષની સ્થિતિ દરમિયાન, પાકિસ્તાને શનિવારે તેની અબ્દાલી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવાનો દાવો કર્યો છે. તે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ છે, જેને હત્ફ-2 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મિસાઇલ પાકિસ્તાન દ્વારા વિકસાવવામાં આવી છે.
450 કિલોમીટરની રેન્જ
પાકિસ્તાને કરેલ દાવા અનુસાર અબ્દાલી મિસાઇલની રેન્જ 450 કિલોમીટર છે. તેની ચોકસાઈ લગભગ 100 થી 150 મીટર છે. આ રેન્જ સાથે, આ મિસાઇલ મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલની શ્રેણીમાં આવે છે અને તે ફક્ત મર્યાદિત ક્ષેત્રમાં જ અસરકારક હોઈ શકે છે. આ અંતરમાં, પાકિસ્તાન ભારતીય સરહદ નજીકના વિસ્તારોને નિશાન બનાવી શકે છે.
સૌપ્રથમ જાહેરમાં 2002 માં પરીક્ષણ
જોકે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે અબ્દાલી મિસાઇલ પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ નથી. તેનું સૌપ્રથમ જાહેરમાં 2002 માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેનું ઘણી વખત પરીક્ષણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તેનો ઉપયોગ પોતાની લશ્કરી શક્તિના પ્રદર્શન તરીકે કરે છે.
ભારત માટે ખતરો?
અત્રે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થઈ આવે કે આ મિસાઇલથી ભારતને શું ખતરો? જો કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ મિસાઇલ પરીક્ષણથી ભારતે ડરવાની જરૂર નથી, પરંતુ ચોક્કસ સાવધ રહેવાની જરૂર છે. યુદ્ધની સ્થિતિમાં, આ પાકિસ્તાની સેનાની વ્યૂહાત્મક તૈયારીઓનો સંકેત હોઈ શકે છે. જોકે, ભારત પાસે તેની સુરક્ષા માટે મજબૂત મિસાઇલ સિસ્ટમ છે.
આપણ વાંચો : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું ગંગા એક્સપ્રેસ વે પર રિહર્સલ, રાફેલ, સુખોઇએ રાત્રિ ઉતરાણ કર્યું