નેશનલ

ભારતની જવાબી કાર્યવાહીના ભયથી પાકિસ્તાન શેરબજારમાં અકડા તફડી, રોકાણકારોની ચિંતા વધી…

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. જેની સીધી અસર પાકિસ્તાનના શેરબજારો પર પડી રહી છે. પાકિસ્તાન સામે ભારતની જવાબી કાર્યવાહીના ભયથી બુધવારે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ માં 2000 પોઈન્ટથી વધુનો મોટો કડાકો નોંધાયો છે.

મંત્રી અતાઉલ્લાહ તરારના નિવેદનથી ચિંતા વધી
આ અંગે મંગળવારે દેશના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારના નિવેદનથી આ આશંકા વધુ મજબૂત બની હતી. જ્યારે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન પાસે નક્કર માહિતી છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી કાર્યવાહી કરી શકે છે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને પહેલગામ પરના હુમલાની જવાબી કાર્યવાહી માટે છૂટ આપી હતી.

કરાચી સ્ટોક એક્સચેન્જના ઇન્ડેક્સમાં ઘટાડો
જેની બાદ બુધવારે સવારે કરાચી સ્ટોક એક્સચેન્જ 100 1717.35 પોઈન્ટ એટલે કે 1.5 ટકા ઘટીને 113,154.83 પર ટ્રેડ થયું. જ્યારે એક દિવસ પહેલા તે 114.872.18 પર બંધ થયો હતો. સવારે 10. 38 વાગ્યે તેનો ઇન્ડેક્સ પાછલા દિવસની તુલનામાં 2073.42 એટલે કે 1.8 ટકા ઘટ્યો હતો.

તમામ વ્યવસાયિક ક્ષેત્રોમાં અનિશ્ચિતતા
નિષ્ણાતોના મતે આગામી થોડા દિવસોમાં હુમલાની શક્યતાના અહેવાલોને કારણે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં ઘટાડો થયો છે. જ્યારે માહિતી મંત્રીના નિવેદનથી રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. તેમણે કહ્યું કે આ સમયે બજારમાં ઘણું દબાણ છે તેમાં કોઈ શંકા નથી.પાકિસ્તાનમાં રાજદ્વારી અને લશ્કરી તણાવને કારણે તમામ વ્યવસાયિક ક્ષેત્રોમાં અનિશ્ચિતતા છે. તેમજ બજારો અને શોપિંગ સેન્ટરો પણ પહેલાની જેમ વ્યવસાય કરી શકતા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button