
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ વધ્યો છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા આકરા પગલા બાદ પાકિસ્તાને પણ ભારત સાથે વેપાર બંધ કરવાની પણ વાત કરી છે. જ્યારે ભારત અને પાકિસ્તાન અનેક વસ્તુઓની આયાત અને નિકાસ કરે છે. પરંતુ એક ખાસ બાબત એ છે કે સિંધવ મીઠું માટે ભારત હજુ પણ પાકિસ્તાન પર નિર્ભર છે. ભારતમાં સિંધવ મીઠું ઉત્પન્ન થતું નથી.
સૌથી જૂનું રોક સોલ્ટ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સિંધવ મીઠું જોવા મળે છે. તેનો સૌથી વધુ જથ્થો ત્યાંના ખેવડા મીઠાની ખાણમાં જોવા મળે છે. તે દેશનું સૌથી મોટું અને સૌથી જૂનું રોક સોલ્ટ માનવામાં આવે છે. આ વિસ્તાર પાકિસ્તાનના ઇસ્લામાબાદથી લગભગ 160 કિલોમીટર દૂર છે.
ખેવડા મીઠાની ખાણ સમગ્ર વિશ્વની સૌથી મોટી ખાણ
પાકિસ્તાનની ખેવડા મીઠાની ખાણ સમગ્ર વિશ્વની સૌથી મોટી ખાણ માનવામાં આવે છે. આ ખાણ લગભગ 2000 વર્ષ જૂની છે. અહીં ઉત્પાદિત મીઠું ઉચ્ચતમ ગુણવત્તાનું માનવામાં આવે છે. આ ખાણમાંથી દર વર્ષે લગભગ 4.5 લાખ ટન રોક સોલ્ટ કાઢવામાં આવે છે. જોકે, જો ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો સારા ન હોય તો ભારત તેને મલેશિયા, ઈરાન અને કેટલાક અન્ય દેશોમાંથી પણ ખરીદી શકે છે.
પાકિસ્તાનમાં માત્ર 2 થી 3 રૂપિયા પ્રતિ કિલો
સિંધવ મીઠાની કિંમતની વાત કરીએ તો, આ મીઠું પાકિસ્તાનમાં માત્ર 2 થી 3 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાય છે. જ્યારે ભારતમાં તેની કિંમત 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો છે. આ મીઠાનો ઉપયોગ ભારતના દરેક ઘરમાં ખાસ કરીને તહેવારો દરમિયાન થાય છે. આ મીઠાનો ઉપયોગ મુખ્યત્વે ભારતમાં ઉજવાતા ઉપવાસ અને તહેવારોમાં થાય છે. તહેવારો દરમિયાન આ મીઠાની માંગ નોંધપાત્ર રીતે વધી જાય છે. ત્યારે હવે ભારતને સિંધવ મીઠા માટે અન્ય દેશો તરફ વળવું પડી શકે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે આ માટે પાકિસ્તાન પરની નિર્ભરતા ઓછી કરી છે.
આપણ વાંચો : NIA કરશે પહેલગામ આતંકી હુમલાની તપાસ, ગૃહ મંત્રાલયે સોંપી જવાબદારી…