
નવી દિલ્હી: કાશ્મીર બાદ હવે પાકિસ્તાને જૂનાગઢને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકયું છે. ગુરુવારે પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે ફરી જૂનાગઢનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો કર્યો છે. સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં, મુમતાઝે જણાવ્યું હતું કે જુનાગઢને લઈને પાકિસ્તાનનું નીતિવિષયક નિવેદન હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે ભારતના ગુજરાતનું એક શહેર કે જેને 1948 માં ભેળવી લેવામાં આવ્યું હતું.
તેમણે દાવો કર્યો છે કે “જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનું હતું. પાકિસ્તાન આ મુદ્દાને ઐતિહાસિક અને કાયદાકીય પરીપ્રેક્ષ્યમાં જોઇ રહ્યું છે. જુનાગઢ પાકિસ્તાનનો હિસ્સો હતો અને ભારતનો તેની પર અવૈધ કબજો સયુંકત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે.
મુમતાજે કહ્યું કે પાકિસ્તાન હમેંશા રાજનીતિક અને કૂટનીતિક મંચો પર જુનાગઢના મુદ્દાને ઉઠાવતું રહ્યું છે અને તેનું શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છે છે. તેમણે કહ્યું ”પાકિસ્તાન પણ જુનાગઢના મુદ્દાને પણ જમ્મુ અને કાશ્મીરની જેમ અધૂરો એજન્ડો માને છે. પાકિસ્તાન વિશ્વના દરેક મંચ પર કાશ્મીર મુદ્દો ઉઠાવી રહ્યું છે, પરંતુ તેને કોઇ જગ્યાએ સ્વીકાર નથી થયો. પાકિસ્તાન આતંકવાદના માર્ગે કાશ્મીરને મેળવવા માટેના સપના જુએ છે, જેના કારણે ભારત સાથે પાકિસ્તાનના સંબંધો નીચા સ્તરે છે.
વધુમાં પ્રેસને બ્રીફિંગ આપતા મુમતાઝે બાંગ્લાદેશ સાથે સકારાત્મક અને મજબૂત સંબંધો વિકસાવવાની પાકિસ્તાનની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમના મતે, “બંને દેશોની સરકારોના સહયોગથી સંબંધો વધુ સુધરશે.” તેમણે પત્રકારોને કહ્યું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના મજબૂત સંબંધો બંને દેશોના લોકો માટે ફાયદાકારક છે.