પાકિસ્તાનના વિદેશ પ્રધાન પછી રેલવે મંત્રીએ કર્યો ‘બફાટ’: ભારત માટે શું કહ્યું?

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક આકરા પગલાં પણ લીધા છે. જેમાં સિંધુ જળ સંધિ સ્થગિત કરવાથી પાકિસ્તાનના રાજનેતાઓ ભારત વિરુદ્ધ પાયાવિહોણા નિવેદન પણ આપી રહ્યા છે. જેમાં હવે પાકિસ્તાનના રેલ્વે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. રાવલપિંડીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે જો ભારત પાકિસ્તાનનું પાણી રોકશે તો અમે યોગ્ય જવાબ આપીશું.
130 પરમાણુ બોમ્બ ફક્ત ભારત માટે રાખ્યા
પ્રેસ કોન્ફરન્સમાં બોલતા હનીફ અબ્બાસીએ કહ્યું, અમારી તમામ મિસાઇલની દિશા ભારત તરફ છે, જો ભારત કોઈપણ પ્રકારનો હુમલો કરવાનું નક્કી કરે છે તો તેને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. અબ્બાસીએ ધમકી આપતા કહ્યું કે અમારી પાસે વિશ્વનો સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ છે. અમે ગોરી, શાહીન, ગઝનવી જેવી મિસાઇલો અને 130 પરમાણુ બોમ્બ ફક્ત ભારત માટે રાખ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજદ્વારી પ્રયાસોની સાથે, અમે અમારી સરહદોની સુરક્ષા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી છે. પહેલગામ હુમલો ફક્ત એક બહાનું છે. વાસ્તવમાં સિંધુ જળ સંધિ ભારતના રડાર પર છે.
આતંકવાદીઓને સ્વતંત્રતા સેનાની ગણાવ્યા હતા
હનીફે કહ્યું કે, પાકિસ્તાન રેલ્વે હંમેશા તેની સેનાને મદદ કરવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે. રેલવે મંત્રી હનીફ પૂર્વે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પહેલગામમાં નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરનારા લશ્કરના આતંકવાદીઓને સ્વતંત્રતા સેનાની ગણાવ્યા હતા.
બિલાવલ ભુટ્ટોએ આપી હતી ધમકી
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ પણ એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ભારતને ધમકી આપી હતી. તેમણે સિંધુ નદીમાં ભારતીયોનું લોહી વહેવડાવવાની ધમકી પણ આપી હતી.