નેશનલ

Pakistan એ ફરી આલાપ્યો કાશ્મીર રાગ, જનમત સંગ્રહનો મુદ્દો ઉઠાવ્યો…

નવી દિલ્હી : પાકિસ્તાને(Pakistan)ફરી એક વાર કાશ્મીર રાગ આલાપ્યો છે. તેમજ જમ્મુ કાશ્મીરમાં જનમત સંગ્રહનો મુદ્દો ઉઠાવ્યો છે. પાકિસ્તાનમાં આજે એટલે કે 5 જાન્યુઆરી 2025ના રોજ કાશ્મીરના લોકો માટે આત્મનિર્ણય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત પર અનેક આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા જમ્મુ-કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારના પક્ષમાં રહ્યું છે. તેમણે કહ્યું કે અમે ભવિષ્યમાં પણ રાજકીય અને રાજદ્વારી રીતે કાશ્મીરીઓને સમર્થન આપતા રહીશું.

કાશ્મીરના લોકો સાત દાયકાથી અધિકારનો ઉપયોગ કરી શકતા નથી

શાહબાઝ શરીફે કહ્યું કે આજના દિવસે (5 જાન્યુઆરી) 1949માં સંયુક્ત રાષ્ટ્રએ ઐતિહાસિક ઠરાવ અપનાવ્યો હતો જે જમ્મુ અને કાશ્મીરમાં મુક્ત અને ન્યાયી જનમત સંગ્રહની ખાતરી આપે છે. શાહબાઝે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વ-નિર્ણયનો અધિકાર એ યુએન ચાર્ટરનો મુખ્ય સિદ્ધાંત છે અને યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ) સ્વ-નિર્ણયના કાયદાકીય અધિકારની હિમાયત કરવા દર વર્ષે એક ઠરાવ પસાર કરે છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે કાશ્મીરના લોકો સાત દાયકાથી આ અધિકારનો ઉપયોગ કરી શક્યા નથી.

આ પણ વાંચો : Mizoram Myanmar Border પર સુરક્ષા વધારી, લોકોની અવરજવર નિયંત્રિત કરાઇ

સ્વતંત્રતાઓને પુનઃસ્થાપિત કરવાની અપીલ

પાકિસ્તાની પીએમે કહ્યું, હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયે પોતાના વચનો પર ધ્યાન જોઈએ અને એવા પગલા લેવા જોઈએ કે જેથી જમ્મુ-કાશ્મીરના લોકો તેમના આત્મનિર્ણયના અધિકારનો ઉપયોગ કરી શકે. પાકિસ્તાની પીએમે વૈશ્વિક સમુદાયને માનવાધિકાર ઉલ્લંઘન તાત્કાલિક બંધ કરવા રાજકીય કેદીઓને મુક્ત કરવા અને કાશ્મીરી લોકોના મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાઓને પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી.

બહુમતી કાશ્મીરી લોકોને લઘુમતી સમુદાયમાં ફેરવવાનો ઉદ્દેશ

પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું, ભારત જમ્મુ અને કાશ્મીર પર તેની પકડ મજબૂત કરવા માટે ઘણા મજબૂત પગલાં લઈ રહ્યું છે. તેની શરૂઆત 5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારત સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કરવાની સાથે થઈ
હતી. ભારતનો ઉદ્દેશ બહુમતી કાશ્મીરી લોકોને લઘુમતી સમુદાયમાં ફેરવવાનો છે.

આસિફ અલી ઝરદારીએ પણ કાશ્મીર રાગ આલાપ્યો

પાકિસ્તાનના સરકારી રેડિયો અનુસાર, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ પુનરોચ્ચાર કર્યો કે તેમનો દેશ કાશ્મીરી લોકોને રાજકીય, રાજદ્વારી અને નૈતિક સમર્થન આપવાનું ચાલુ રાખશે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું કે ભારત સાત દાયકાથી વધુ સમયથી ગેરકાયદે કબજામાં રહેલા જમ્મુ – કાશ્મીરના લોકોને આત્મનિર્ણયના અધિકારથી વંચિત કરી રહ્યું છે અને તેમના પર જુલમ અને હિંસા કરી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button