
નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીના ઠેકાણાનું નામોનિશાન મીટાવી દીધું હતું. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું હતું અને પંજાબમાં કટોકટી જાહેર કરી હતી.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીએ શું આપી પહેલી પ્રતિક્રિયા?
ઓપરેશન સિંદૂર પર ખુદ પીએમ મોદીએ નજર રાખી હતી. ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યા પછી વડા પ્રધાન મોદીએ કેબિનેટ બેઠક કરી હતી. જેમાં કેબિનેટ સાથીદારોને પાકિસ્તાન વિરુદ્ધ હાથ ધરવામાં આવેલા ઓપરેશન વિશે માહિતી આપી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી, જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા કેન્દ્રીય પ્રધાન હાજર રહ્યા હતા. તમામ કેબિનેટ પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આખો દેશ તેમની સાથે છે. ભારતીય સેનાએ તૈયારી મુજબ અને કોઈપણ ભૂલ વિના કાર્યવાહી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાની ખૂબ પ્રશંસા કરી હતી.