પાકિસ્તાને ચીન પાસેથી ખરીદેલી HQ-9 સિસ્ટમ ફેઈલ; ભારતની S-400 એ રંગ રાખ્યો; જાણો શું છે ખાસિયત…

નવી દિલ્હી: ભારતે પાકિસ્તાન સામે ‘ઓપરેશન સિંદૂર’ શરુ કર્યા બાદથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો (India-Pakistan Tension) છે. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં 9 આતંકવાદી ઠેકાણા નષ્ટ કર્યા બાદ પાકિસ્તાન વળતી કાર્યવાહી કરી રહ્યું છે. પાકિસ્તાને બુધવારે રાત્રે ભારતના 15 શહેરોમાં લશ્કરી મથકો પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતાં. બદલામાં ભારતે લાહોરની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી છે.
આ દરમિયાન, એવા સવાલો થઇ રહ્યા છે કે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ભારત મિસાઇલો અને ડ્રોન્સને ટ્રેક કરીને નષ્ટ કેમ ન કરી શકી? અહેવાલ મુજબ પાકિસ્તાને તેના મિત્ર દેશ ચીન પાસેથી ખરીદેલી HQ-9 મિસાઇલ સિસ્ટમ નિષ્ફળ રહી છે. જયારે ભારતે રશિયા પાસેથી ખરીદેલી S-400 મિસાઈલ સિસ્ટમે રંગ રાખ્યો છે. S-400 મિસાઈલ સિસ્ટમેં પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતાં.

ચીનની સિસ્ટમ ફેઈલ:
પાકિસ્તાન હથિયારો માટે ચીન પર ખૂબ નિર્ભર છે. પાકિસ્તાને મિસાઇલ, ડ્રોન અને ફાઇટર જેટથી તેના વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે ચીન પાસેથી HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી. અહેવાલો અનુસાર, ચીને આ સિસ્ટમ રશિયાના S-300 ના આધારે વિકસાવી હતી, જે S-400 કરતા નબળી સિસ્ટમ છે.
HQ-9 એર ડિફેન્સ સિસ્ટમમાં 200 કિમીની રડાર ડિટેક્શન રેન્જ છે, જે મધ્યમ અંતરની મિસાઇલને તોડી પાડવા માટે સક્ષમ છે. જોકે, ચીન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ ક્રુઝ મિસાઇલ, એરક્રાફ્ટ અને બેલિસ્ટિક મિસાઇલોને અટકાવવાની ક્ષમતા ધરાવે છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેને ફક્ત વિમાન અને ક્રુઝ મિસાઇલોને તોડી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હકીકતમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે HQ-9 કાં તો તે ડિટેક્ટ કરી નથી શક્તિ અથવા તે ડિટેક્ટ કરવા સક્ષમ છે પરંતુ રીએક્ટ કરવામાં અસમર્થ છે.
S-400ની ખાસિયત:
S-400 હાલમાં વિશ્વની સૌથી મજબૂત એર ડિફેન્સ સીસ્ટમમાંની એક છે. ભારત પાસે રહેલી રશિયાની S-400 ફાઇટર પ્લેન, મિસાઇલ, ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. જેમાં, 4 અલગ અલગ પ્રકારની મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવે છે જે 400 કિલોમીટરના અંતર સુધી કોઈપણ ટાર્ગેટને હિટ કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતે ચીન અને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને આ હવાઈ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરી છે.