ઇન્ટરનેશનલનેશનલ

હવે ભારત પાકિસ્તાનને આર્થિક રીતે ઘેરશે! એડીબીને ફંડ ઘટાડવાની કરી માગ

નવી દિલ્હી: પહલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનના સબંધોમાં તણાવ છે. આ દરમિયાન ભારતે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ત્યારે હવે ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના અધ્યક્ષ મસાટો કાંડા સાથે મુલાકાત કરી અને તેમને પાકિસ્તાનને આપવામાં આવતા ભંડોળમાં ઘટાડો કરવાની માંગણી કરી છે.

નિર્મલા સિતારમણ સાથે મસાટો કાંડા સાથે મુલાકાત
પ્રાપ્ત વિગતો અનુસાર નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે આજે 5 મેના રોજ ઇટલીના મિલાનમાં આયોજિત 58મી એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ની વાર્ષિક બેઠકમાં ADB અધ્યક્ષ મસાટો કાંડા સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ઇટલીના નાણા પ્રધાન જિયાનકારલો જ્યોર્જેટ્ટી સમક્ષ આ જ માંગણી કરી હતી.

ADB અધ્યક્ષ મસાટો કાંડા સાથેની બેઠક દરમિયાન નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, “ભારત ખાનગી ક્ષેત્રની આગેવાની હેઠળના આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને દેશમાં એક નીતિગત અને નિયમનકારી ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યું છે.”

મૂડીઝે રિપોર્ટમાં પાકિસ્તાન અંગે શું કહ્યું?
બીજી તરફ વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે સોમવારે પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે ભારત સાથે વધતો તણાવ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ફટકો પહોંચાડી શકે છે અને તેના વર્તમાન રાજકોષીય સુધારના પ્રયાસોમાં સમસ્યા ઊભી કરી શકે છે. આ ઉપરાંત આ તણાવ પાકિસ્તાનના બાહ્ય ધિરાણને પણ અસર કરી શકે છે અને પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડાર પર પણ દબાણ લાવી શકે છે, જે આગામી ઘણા વર્ષોના દેવાની ચૂકવણીના હિસાબે પણ ઘણા ઓછા છે.

ભારત-પાકિસ્તાનના સબંધોમાં તણાવ
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ તણાવ 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામના બૈસરન ઘાટીમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વધી રહ્યો છે. આ આતંકવાદી હુમલામાં 25 ભારતીય નાગરિકો સહિત કુલ 26 લોકો માર્યા ગયા હતા, ત્યારબાદ ભારતે પાકિસ્તાન સામે ઘણા મોટા પગલાં ભર્યા છે. જેમાં પાકિસ્તાનને તમામ બાબતોથી ઘેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

આ પણ વાંચો કેનેડામાંથી હિન્દુઓની કાઢવા માટે ખાલિસ્તાનીઓએ ટોરન્ટોમાં પરેડ યોજીઃ મોદી-શાહને પાંજરે પૂર્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button