PAK Election 2024: પાકિસ્તાનમાં પણ ‘ગઠબંધન’ને લઈને મગજમારી, ઇમરાનને લાગી શકે છે ઝટકો, જાણો બેઠકોનું ગણિત
નવી દિલ્હી: જે રીતે ભારતમાં પણ ગઠબંધને લઈને હાડમારીઓ ચાલી રહી છે તેવી જ રીતે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ સામાન્ય ચૂંટણીમાં (Pakistan parliamentary election, 2024) બહુમતી સાબિત કરવા માટે પાર્ટીઓ ગઠબંધનને લઈને મથામણ કરી રહી છે.પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં જેલમાં રહેલા અને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાયેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Former PM Imran khan) લાઈમલાઈટમાં આવવામાં સફળ રહ્યા હતા. તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-ઈન્સાફ (PTI) ને સમર્થન આપતા અપક્ષ ઉમેદવારોએ સામાન્ય ચૂંટણીમાં 101 બેઠકો જીતી હતી. પરંતુ પાર્ટી હજુ પણ સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી આંકડા કરતાં 32 બેઠકો ઓછી છે.
PML-N, જે PPP અને MQM-P સાથે પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે, રવિવારે સંસદમાં તેની તાકાત વધારવા માટે ઇમરાન ખાનની પાર્ટી દ્વારા સમર્થિત પ્રથમ સ્વતંત્ર ઉમેદવારનું સમર્થન મેળવવામાં સફળ થઈ.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સમર્થિત ઉમેદવાર વસીમ કાદિર ગઈકાલે સાંજે નવાઝ શરીફ (Nawaz Sharif) ની પુત્રી મરિયમ નવાઝને મળ્યા બાદ પીએમએલ-એનમાં જોડાયા હતા. તેમણે લાહોરની નેશનલ એસેમ્બલી-121 મતવિસ્તારમાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના દિગ્ગજ નેતા શેખ રોહેલ અસગરને હરાવ્યા હતા. મરિયમ નવાઝને મળ્યા બાદ કાદિરે કહ્યું, ‘હું પીએમએલ-એનમાં જોડાઈ ગયો છું. કારણ કે આ મારું ઘર છે.
નવાઝ શરીફે અન્ય પક્ષો સાથે સરકારની રચના અંગે ચર્ચા શરૂ કરવા માટે તેમના ભાઈ પૂર્વ વડાપ્રધાન શહેબાઝ શરીફ (ormer Prime Minister Shehbaz Sharif) સાથે સંપર્ક સાધવાનું કામ સોંપ્યું છે. તમને જણાવી દઈએ કે 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીના એક દિવસ બાદ પીએમએલ-એન સુપ્રીમોએ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ એલાયન્સની તર્જ પર રાષ્ટ્રીય એકતા સરકાર બનાવવાના સંકેત આપ્યા હતા.
પાકિસ્તાની મીડિયા ડૉને સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે PML-Nના શહેબાઝ શરીફે PPP નેતા આસિફ અલી ઝરદારી અને તેમના પુત્ર બિલાવલ ભુટ્ટો-ઝરદારીને પંજાબના કાર્યપાલક મુખ્ય પ્રધાન મોહસિન નકવીના નિવાસસ્થાને બેઠક કરી હતી. PPPના એક સૂત્રએ આ બેઠક વિશે જણાવ્યું હતું કે, ‘અમે ચૂંટણી પરિણામો અને ચૂંટણી પછીની સ્થિતિ પર ચર્ચા કરી હતી. તે ટૂંકી ચર્ચા હતી, પરંતુ દેખીતી રીતે તે ‘પોઝિટિવ નોટ’ પર સમાપ્ત થઈ છે.
પાકિસ્તાનની બેઠકોનું ગણિત કઈક આ રીતે છે…
નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન), જે 266 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી તેમાંથી માત્ર 73 બેઠકો જ જીતી શકી હતી. બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ 54 બેઠકો જીતી હતી. MQM-Pને 17 બેઠકો મળી છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. પરંતુ ચૂંટણી માત્ર 266 બેઠકો પર જ થાય છે. બાકીની 70 બેઠકો અનામત છે. આ સીટોની ફાળવણી દરેક પાર્ટીની તાકાત પર આધારિત છે. બહુમતી મેળવવા માટે પાર્ટીને 266 સીટોમાંથી 134 સીટો જીતવી જરૂરી છે.
પાર્ટીને નેશનલ એસેમ્બલીની કુલ 336 સીટોમાંથી 169 સીટોની જરૂર છે. જો PML-N, PPP અને MQM-P ભેગા થાય છે, તો તેમની સંયુક્ત બેઠકોની સંખ્યા 144 થશે, જે બહુમતીના આંકડા કરતાં 10 વધુ છે. આવી સ્થિતિમાં આ ત્રણેય પક્ષો સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી શકે છે.