નવાઝ શરીફને બે કેસમાં નિર્દોષછોડતી પાકિસ્તાનની કોર્ટ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના બે કેસમાં ઈસ્લામાબાદ હાઈ કોર્ટે બુધવારે નિર્દોષ છોડ્યા હતા. એવનફ્રીલ્ડ પ્રોપર્ટી કેસમાં અને અલ-અઝિઝિયા કેસમાં વર્ષ ૨૦૧૮માં શરીફને એક કોર્ટે ગુનેગાર જાહેર કર્યા હતા. આ બંને કેસમાં અનુક્રમે ૧૦ વર્ષની અને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. પાકિસ્તાનની ભ્રષ્ટાચારવિરોધી સંસ્થા નેશનલ અકાઉન્ટિબિલીટી બ્યૂરો (એનએબી)એ કેસ કર્યો હતો.
શરીફે આ બંને કેસના ચુકાદા સામે ઈસ્લામાબાદ હાઈ કોર્ટે (આઈએમસી)માં ધા નાખી હતી. ચીફ જસ્ટિસ અમર ફારૂક અને જસ્ટિસ મિયાંગુલ હસન ઔરંગઝેબની ખંડપીઠે બંને પક્ષકારની દલીલો સાંભળ્યા પછી ચુકાદો જાહેર કર્યો હતો.
વર્ષ ૨૦૧૯માં શરીફ લંડન ગયા હતા અને પાછા આવી શક્યા ન હતા. આઈએમસીએ ડિસેમ્બર ૨૦૨૦માં બંને કેસમાં શરીફને ‘ઘોષિત ગુનેગાર’ કર્યા હતા. ઑક્ટોબર – ૨૦૨૩માં શરીફ પાકિસ્તાન પાછા ફર્યા હતા અને તેમની અપીલ પર સુનાવણી શરૂ કરવામાં આવી હતી.