પાકિસ્તાનના સુકાની બાબર આઝમને વિશ્ર્વાસ: ભારતને ચોક્કસ હરાવીશું
અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારત સામેની મેચની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયા સાથે વાત કરતા બાબર આઝમે કહ્યું હતું કે, વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી જે કંઈ પણ થયું છે તે બહુ મહત્ત્વનું નથી. બાબરે એમ પણ કહ્યું કે તેમની ટીમ અમદાવાદના મોટા સ્ટેડિયમમાં રમવા માટે તૈયાર છે અને તેમના પર કોઈ દબાણ નથી. બાબર આઝમે કહ્યું હતું કે મને લાગે છે કે ભૂતકાળમાં શું થયું તે મહત્ત્વનું નથી. અમે વર્તમાનમાં જીવવા માંગીએ છીએ. મને લાગે છે કે અમે સારું કરી શકીએ છીએ. ભારત-પાકિસ્તાનની મેચ શાનદાર હોય છે. મને લાગે છે કે અમારી પાસે ચાહકોની સામે સારું પ્રદર્શન કરવાની તક છે.
પોતાની ટીમની બોલિંગને લઈને બાબરે કહ્યું હતું કે અમને નસીમ શાહની ખોટ પડશે. શાહીન આફ્રિદી અમારો શ્રેષ્ઠ બોલર છે. અમને તેમનામાં વિશ્ર્વાસ છે. અમે ઘણી વખત એકબીજા (ભારત અને પાકિસ્તાન) સાથે રમ્યા છીએ. હૈદરાબાદમાં અમને ઘણું સમર્થન મળ્યું અને અમે અમદાવાદમાં પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ.
અત્યાર સુધી રમાયેલી બંને મેચમાં ખરાબ પ્રદર્શન કરનાર બાબરે કહ્યું હતું કે મેં આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી વધારે રન બનાવ્યા નથી અને મને આશા છે કે તે બદલાશે.
જો તમારે વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવું હોય તો સારી ફિલ્ડિંગ કરવી પડશે.
બાબરે કહ્યું હતું કે ડે-નાઈટ મેચમાં ટોસ હંમેશા મહત્ત્વનો રહ્યો છે, કારણ કે રાત્રે બેટિંગ કરવી સરળ બની જાય છે. મેચમાં ઝાકળ મોટી ભૂમિકા ભજવશે. અમને વિશ્ર્વાસ છે કે અમે પહેલા પણ ભારતને હરાવ્યું છે અને અમે તેને ફરીથી કરી શકીએ છીએ.