
ક્વેટા : પાકિસ્તાનના બલુચિસ્તાનના હુમલાઓની ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં હવે પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે. જે અંગે મળતી માહિતી મુજબ હુમલાખોરોએ 9 લોકોને તેમની ઓળખ પૂછ્યા બાદ ગોળી મારીને હત્યા કરી દીધી.આ બસ હુમલામાં માર્યા ગયેલા બધા મુસાફરો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહેવાસી હતા. તેઓ ક્વેટાથી લાહોર જઈ રહ્યા હતા. પરંતુ બલુચિસ્તાનના ઝોબ વિસ્તારમાં બંદૂકધારીઓએ બસ પર હુમલો કર્યો.
બલુચિસ્તાનનો આ વિસ્તાર ખૂબ જ અશાંત
આ અંગે સહાયક કમિશનર ઝોબ નવીદ આલમે જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝોબ વિસ્તારમાં એક બસ રોકી હતી અને પછી મુસાફરોને તેમની ઓળખ પૂછી હતી. તેની બાદ 9 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નવીદ આલમે કહ્યું કે બધા મુસાફરો પંજાબના વિવિધ વિસ્તારોના હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. બલુચિસ્તાનનો આ વિસ્તાર ખૂબ જ અશાંત છે અને અહીં આવી ઘટનાઓ વારંવાર બને છે.
સરકારે આતંકવાદી ઘટના ગણાવી
આ બસ હુમલાની ઘટનાની જવાબદારી અત્યાર સુધી કોઈ સંગઠને લીધી નથી. જોકે, આ પહેલા પણ પાકિસ્તાન અને બલુચિસ્તાનમાં બલુચિસ્તાન સંગઠનોએ આવા હુમલા કર્યા છે. પ્રાંતીય સરકારના પ્રવક્તા શાહિદ રિંદે તેને આતંકવાદી ઘટના ગણાવી છે. તેમણે કહ્યું આતંકવાદીઓએ મુસાફરોને બસમાંથી નીચે ઉતાર્યા અને પછી તેમની ઓળખ પૂછી. તેમણે 9 નિર્દોષ લોકોની હત્યા કરી.
બલૂચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે માર્ચ માસમાં બલૂચ લિબરેશન આર્મીએ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. ટ્રેનમાં 400 થી વધુ મુસાફરો હતા. બલૂચ આર્મીએ મુસાફરો તેમજ કેટલાક પાકિસ્તાની લશ્કરી અધિકારીઓને બંધક બનાવ્યા હતા.