પહલગામ હુમલાને અંજામ આપનારો છે પાકિસ્તાન સેનાનો પૂર્વ કમાન્ડો, જાણો કોણ છે?
હત્યાકાંડને અંજામ આપવા માટે લશ્કર-એ-તૈયબાએ મોકલ્યો હતો

નવી દિલ્હી/ઈસ્લામાબાદ/શ્રીનગરઃ પહલગામના આતંકવાદી નરસંહારમાં પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક પુરાવો જાણવા મળ્યો છે. હુમલામાં સામેલ હાશિમ મુસાની ઓળખ પાકિસ્તાનની આર્મીના પેરા કમાન્ડો તરીકે કરવામાં આવી છે. પહલગામના આતંકવાદી હુમલા મુદ્દે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં અવરોધો આવ્યા છે ત્યારે તપાસ કરનારી એજન્સીને વધુ એક મહત્ત્વની કડી પાકિસ્તાન તરફી મળી છે. 22 એપ્રિલના 26 જણની હત્યામાં આતંકવાદી સંગઠનની સાથે આઈએસઆઈ અને પાકિસ્તાનની ડાયરેક્ટ સંડોવણી બહાર આવી છે.
સુરક્ષા દળો અને બિન-સ્થાનિકોને ટાર્ગેટ કરવા માટે આવ્યો
આ હુમલાનો માસ્ટરમાઈન્ડ તરીકે ઓળખાયેલા પાકિસ્તાની આર્મીના પૂર્વ કમાન્ડો હાશિમ મુસા છે, જે સેનામાં સ્પેશિયલ ફોર્સનો પૂર્વ કમાન્ડો પણ છે. હાશિમ મુસા પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-ઐ-તૈયબા સાથે જોડાયેલો છે અને તેને કાશ્મીરમાં બિન-સ્થાનિકો અને સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને હુમલો કરવા માટે મોકલવામાં આવ્યો છે.
છેલ્લા ત્રણ હુમલામાં સંડોવાયેલો છે
હાશિમ મુસા (સુલેમાન તરીકે પણ ઓળખવામાં આવે છે), જે પાકિસ્તાન આર્મીની સ્પેશિયલ ફોર્સનો પેરા કમાન્ડો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. હાશિમ મુસા પાકિસ્તાનની આર્મી સાથે સંકળાયેલો છે. છેલ્લા કેટલાક વર્ષોથી જમ્મુ-કાશ્મીરમાં મુસા એક્ટિવ છે અને છેલ્લા ત્રણ હુમલામાં તે સંકળાયેલો હોવાનું શંકા છે. આ અગાઉ ઓક્ટોબર, 2024માં ગંદરબલના ગગનગીરના હુમલામાં છ બિનસ્થાનિક અને એક ડોક્ટરનું મૃત્યુ થયું હતું.
ત્યારબાદ બારામુલ્લાના હુમલામાં બે સૈનિક અને બે આર્મી પોર્ટર માર્યા હતા. મુસાને આ ત્રણેય હુમલા પાછળનો ઓપરેટિવ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય સ્થાનિક આતંકવાદીઓમાં જુનૈદ અહમદ ભટ અને અરબાઝ મીર બંને પાકિસ્તાનમાં તાલીમ પામેલા ગગનગીર અને બુટા પાથરી હુમલામાં સામેલ હતા.
મુસા સિવાય આસીફ ફૌઝી, અબુ તાલ્હાની સંડોવણી
અધિકારીઓએ શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે મુસા કદાચ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથ સાથે સંકળાયેલો છે. મુસા સિવાય આસીફ ફૌઝી, અબુ તાલ્હા, આદિલ હુસૈન થોકર અને અહસાન સંડોવાયેલા છે. તેમના નામના કોડ હતા, જેમાં મુસા, યુનુસ અને આસિફ આપવામાં આવ્યા હતા. હુમલામાં સંડોવાયેલાના નામ સાથે સ્કેચ પણ અગાઉ સિક્યોરિટી એજન્સીએ જારી કર્યા હતા.