પાકિસ્તાન આર્મી ચીફ મુનિરે જામનગરની રિલાયન્સની રીફાઈનરી ઉડાવી દેવાની આપી ધમકી

કરાચી/નવી દિલ્હી: પાકિસ્તાની સેનાના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારતને ધમકી આપી હતી. પરમાણુ હુમલાની ધમકી બાદ મુનીરે હવે ગુજરાતમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની જામનગર રીફાઈનરીને નિશાન બનાવવાની વાત કરી હતી. મુનીરની પરમાણુ ધમકીને ગઈકાલે વખોડી કાઢી હતી અને તેને જૂની આદત ગણાવી હતી. જો કે મુનીરની જામનગર રીફાઈનરીને ઉડાવી દેવાની ધમકી એ માટે પણ મહત્વની બની રહે છે કે કારણ કે દુનિયાની સૌથી મોટી સિંગલ-સાઈટ ઓઈલ રીફાઈનરી છે. જો આગામી સમયમાં બન્ને દેશ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ જન્મે તો પાકિસ્તાન જામનગર રીફાઈનરીને નિશાન બનાવી શકે છે.
મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકાના ટેમ્પામાં એક કાર્યક્રમમાં પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરે આ ધમકી આપી હતી. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટનો સંદર્ભ આપ્યો હતો, જેમાં રિલાયન્સ પ્રમુખ મુકેશ અંબાણીની તસ્વીર અને કુરાનની સુરહ અલ-ફીલની એક આયાત લખેલી હતી. તેમણે કાર્યક્રમમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, તેમણે જણાવ્યું હતું કે આ સ્થળની પસંદગી બન્ને દેશ વચ્ચે શરુ થયેલા સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન કરી હતી, જેના દ્વારા મુનીરે સંકેત આપ્યો છે કે બીજી વખત સંઘર્ષ થશે તો પાકિસ્તાન જામનગર રીફાઈનરીને નિશાન બનાવી શકે છે.
શા માટે જામનગર રીફાઈનરીનો ઉલ્લેખ કર્યો?
અત્રે એ ખાસ નોંધવું રહ્યું કે મુનીરે જામનગર રીફાઈનરીનો ઉલ્લેખ કર્યો છે કે તેની પાછળ એક મોટું કારણ છે. મુનીરે રિલાયન્સને નિશાન બનાવી છે તેનું કારણ છે ભારતની આર્થિક તાકાત અને ક્ષમતાનો સૌથી મોટો ચહેરો છે. રિલાયન્સ RIL ઓઈલ, ટેલીકોમ અને રીટેલ જેવા અનેક સેક્ટર સાથે સંકળાયેલી દેશની સૌથી મોટી કંપનીઓમાની એક છે. જો જામનગર રિફાઇનરીની વાત કરીએ તો, તે એકલા ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાના લગભગ 12%નું સંચાલન કરે છે. દર વર્ષે અહીં 33 મિલિયન ટન ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવામાં આવે છે. આ ઉપરાંત, તે ભારતમાંથી મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પણ કરે છે.
આયાતના ઉલ્લેખથી શું આપ્યા સંકેત?
આસિમ મુનીરે જે સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કર્યો, તેમાં કુરાનની સુરત અલ-ફિલ (હાથી) નામની આયત લખેલી હતી. આયતમાં ઈશ્વરે મોકલેલા પક્ષીઓએ માટીના પથ્થરો વરસાવીને યમનના રાજા અબ્રાહાની હાથીઓની સેનાનો નાશ કર્યો હતો તેનો ઉલ્લેખ છે. આ આયતનો ઐતિહાસિક સંદર્ભ ‘હાથીના વર્ષ’ (લગભગ ૫૭૦ ઇ.સ.) સાથે જોડાયેલો છે, જ્યારે અબ્રાહાએ હાથીઓની મદદથી મક્કામાં કાબા પર હુમલો કર્યો હતો. જનરલ મુનીરે આ આયતનો ઉલ્લેખ કરીને તેને આધુનિક યુદ્ધના સંદર્ભમાં હવાઈ હુમલા સાથે જોડી હતી. આમ કરીને તેમણે ભારત સામે ભવિષ્યના સંભવિત હુમલાનો ઈશારો કર્યો હતો.
આપણ વાંચો: આવા કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા? જાણો શું છે મામલો